- પુલવામા હુમલાની સાતમી વરસીના બીજા જ દિવસે બંને ટીમનું ઇલુ-ઇલુ
- ટી-20માં વર્લ્ડ નંબર વન ભારત જીતવા માટે ફેવરિટ : બંને ટીમો વચ્ચે સેમિ ફાઈનલ કે ફાઈનલમાં મુકાબલો ખેલાઈ શકે
- ભારતીય ક્રિકેટરો પાકિસ્તાન સાથે હાથ ન મિલાવવાનો સિલસિલો જારી રાખે તેવી શક્યતા
- મેચમાં વરસાદનું વિઘ્ન નડે તેવી શક્યતા
કોલંબો: ટી-૨૦ વર્લ્ડકપમાં ભારે અનિશ્ચિતતા બાદ આખરે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગૂ્રપ સ્ટેજનો મેગા મુકાબલો ખેલાશે, ત્યારે આખી દુનિયાની નજર કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ પર મંડાયેલી રહેશે. બંને દેશો વચ્ચેના તનાવભર્યા સંબંધો અને ટકરાવની સ્થિતિ વચ્ચે ખેલાઈ રહેલા ક્રિકેટના મુકાબલામાં મેળવેલો વિજય, ચાહકોને જાણે વિશ્વકપ જીતી લીધો હોય તેવો અહેસાસ કરાવનારો બની રહે છે. આ કારણે બંને ટીમના ખેલાડીઓ ભારે જોશ અને ઝનૂનની સાથે મેચ જીતવા માટે છેવટ સુધી ઝઝૂમતા જોવા મળશે.
ટી-૨૦ના વર્લ્ડ રેન્કિંગમાં ભારત નંબર વન છે અને ભૂતકાળના મુકાબલામાં પણ પાકિસ્તાન કરતાં ચડિયાતુ સાબિત થઈ ચૂક્યું છે. ત્યારે આવતીકાલનો મુકાબલો જીતવા માટે સ્વાભાવિક રીતે જ ભારતીય ટીમ ફેવરિટ મનાય છે. વળી, પુલવામા હુમલાની સાતમી વરસીના બીજા જ દિવસે આ મુકાબલો યોજાવા જઈ રહ્યો છે. નોંધપાત્ર બાબત એ પણ છે કે, પાકિસ્તાન ટી-૨૦ વર્લ્ડ કપમાંહાલ છેક છઠ્ઠુ સ્થાન ધરાવે છે.
સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ ટી-૨૦ વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાન સાથે હાથ ન મિલાવવાનો સિલસિલો આગળ ધપાવશે તેમ મનાય છે. અગાઉ એશિયા કપ ટી-૨૦માં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત ટકરાયા હતા અને ત્રણેય વખત ભારતીય ટીમ વિજેતા બની હતી. આ ત્રણેય મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર કે ખેલાડીઓએ પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યા નહતા. જોકે કોલંબોમાં મુકાબલો યોજાય તે પહેલા બંને ટીમના કેપ્ટનોએ આવતીકાલે તેઓ મેચ પહેલા કે પછી હાથ મિલાવશે કે નહીં તે અંગે કોઈ પણ કોમેન્ટ કે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતુ.
પાકિસ્તાનની ટીમ અગાઉના મુકાબલા શ્રીલંકામાં રમી ચૂક્યું હોવાથી ત્યાંની પીચ અને પરિસ્થિતિથી વાકેફ છે. જોકે, ભારતીય ટીમમાં કેપ્ટન સૂર્યકુમારની સાથે તિલક વર્મા, કિશન, હાર્દિક પંડયા, રિન્કુ સિંઘ, બુમરાહ તેમજ અક્ષર પટેલ અને વરૂણ ચક્રવર્થી સહિતના મેચ વિનર ખેલાડીઓ સામેલ છે. જે ગમે તેવી સ્થિતિમાંથી ભારતીય ટીમને જીત તરફ અગ્રેસર કરવાની ક્ષમતા ધરાવે છે. તાજેતરના ફોર્મથી લઈને ફિટનેસ અને અનુભવની રીતે ભારતીય ટીમ પાકિસ્તાન કરતાં ચઢિયાતી જોવા મળી રહી છે.
આઇસીસીએ જાહેર કરેલા ટી-૨૦ વર્લ્ડકપના ફોર્મેટ અનુસાર આ ગૂ્રપ સ્ટેજના મુકાબલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમિ ફાઈનલમાં કે ફાઈનલમાં પણ મુકાબલો ખેલાઈ શકે છે. હવે જો બંને ટીમ વચ્ચે નોકઆઉટ મુકાબલો ખેલાય તો ગૂ્રપ સ્ટેજની મેચ જીતનારી ટીમ વધુ આત્મવિશ્વાસ મેળવશે તે નક્કી છે, જેના કારણે આવતીકાલનો મુકાબલો જીતવા બંને ટીમ તમામ પ્રયાસો કરશે.
દરમિયાનમાં શ્રીલંકાના હવામાન વિભાગની આગાહી ચાહકોને અને આઇસીસીને ચિંતા કરાવે તેવી જોવા મળી રહી છે. સાંજે ૭.૦૦ વાગ્યે મુકાબલો શરૂ થાય તે પહેલા ગાજવીજ સાથે વરસાદ ત્રાટકે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે મુકાબલો વિલંબથી શરૂ થાય કે પછી કેટલીક ઓવરો ઘટાડી દેવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાય તેમ નથી. મેચમાં ટોસની સાથે વાતાવરણનો પ્રભાવ ઘણો મોટો પડી શકે છે અને તેનો પ્રભાવ પરિણામ પર પણ જોવા મળી શકે છે. આમ છતાં, હાલની સ્થિતિ જોતા બંને ટીમ સુપર-એઈટમાં પ્રવેશ કરશે તે લગભગ નક્કી છે. સુપર એઈટમાં બંનેને આઇસીસીએ અગાઉથી જ જુદા-જુદા ગ્રૂપ ફાળવ્યા હોવાથી ત્યાં તેમની ટક્કરની સંભાવના જ નથી.
- હાથ મિલાવવા અંગે કેપ્ટન્સનું મૌન
'હવે આ માટે ૨૪ કલાક રાહ જુઓ. શા માટે તે બાબત પર આટલું બધુ ધ્યાન આપો છો? અમે અહીં ક્રિકેટ રમવા આવ્યા છીએ. અમે સારું ક્રિકેટ રમીશું.
અમે આ અંગેનો નિર્ણય આવતીકાલે મોડેથી લઈશું. તેના માટે રાહ જુઓ. સારુ ભોજન લો અને સુઈ જાવ.' - સૂર્યકુમાર યાદવ, ભારતની ટીમનો કેપ્ટન
'અમે આ મામલાને આવતીકાલે જોઈશું.'
- સલમાન આગા, પાકિસ્તાનની ટીમનો કેપ્ટન
- વર્લ્ડ કપનો દમદાર રેકોર્ડ ઃ ભારતીય ટીમ પાકિસ્તાન સામે ૧૬માંથી ૧૫ મેચ જીતી
કોલંબો: ભારત અને પાકિસ્તાન વચ્ચે આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપ અને વન ડે વર્લ્ડ કપમાં કુલ મળીને ૧૬ મુકાબલા ખેલાયા છે, જેમાંથી ૧૫માં ભારત વિજેતા બન્યું છે. જ્યારે પાકિસ્તાન માત્ર આશ્વાસનરુપ એકમાત્ર મેચ જીતી શક્યું છે. ટી-૨૦ વર્લ્ડ કપમાં બંને ટીમ વચ્ચે આઠ મેચ રમાઈ છે, જેમાં ભારત ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલ સહિતની સાત મેચ જીતી ચૂક્યું છે. આ સાત વિજયમાં ૨૦૦૭ની ટાઈ થયેલી ગૂ્રપ મેચ પણ સામેલ છે, જેમાં ભારત બોલ આઉટને સહારે જીત્યું હતુ. જ્યારે વન ડે વર્લ્ડ કપમાં ભારતે તમામ આઠેય મેચ જીતવાની સિદ્ધિ મેળવી છે.


