T20 World Cup 2026: આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં શનિવારે પલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી સુપર-8 મેચ ડ્રામેટિક વળાંક સાથે પૂર્ણ થઈ હતી. પાકિસ્તાને આ મેચ 5 રનથી જીતી લીધી હોવા છતાં, અમ્પાયરના એક વિવાદાસ્પદ નિર્ણયને કારણે શ્રીલંકન કેમ્પમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શ્રીલંકાના મુખ્ય કોચ સનથ જયસૂર્યા અમ્પાયરો સાથે ટકરાયા હતા.
અંતિમ ઓવરનો રોમાંચ: શનાકાની તોફાની બેટિંગ
213 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાને અંતિમ ઓવરમાં જીતવા માટે 28 રનની જરૂર હતી. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદી બોલિંગમાં હતો, જ્યારે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા ક્રીઝ પર હતા. તેણે પ્રથમ 4 બોલમાં શનાકાએ 22 રન (4, 6, 6, 6) ફટકારીને ખળભળાટ મચાવી દીધો હતો. હવે શ્રીલંકાને છેલ્લા 2 બોલમાં માત્ર 6 રનની જરૂર હતી અને સ્ટેડિયમમાં ભારે ઉત્તેજના હતી.
વિવાદ ક્યાં થયો?
ઓવરના પાંચમા અને છઠ્ઠા બોલ પર વિવાદ સર્જાયો હતો. શાહીન આફ્રિદીએ ઓફ સાઈડની બહાર લો-ફુલટોસ ફેંક્યા હતા. શનાકાએ શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટમાં આવ્યો નહીં. રિપ્લેમાં સ્પષ્ટ જણાતું હતું કે બોલ વાઈડ લાઈનની બહાર હતો, પરંતુ અમ્પાયર રોડ ટકરે તેને વાઈડ જાહેર કર્યા નહીં. શ્રીલંકા 207 રન સુધી જ પહોંચી શક્યું અને 5 રનથી મેચ હારી ગયું. જો તે વાઈડ મળ્યા હોત, તો શ્રીલંકા માટે સમીકરણો બદલાઈ શક્યા હોત.
મેચ પૂરી થતાની સાથે જ શ્રીલંકાના દિગ્ગજ અને કોચ સનથ જયસૂર્યા મેદાન પર ધસી આવ્યા હતા. તેમણે અમ્પાયર રોડ ટકર પાસે જઈને ઉગ્ર દલીલો કરી હતી. મોટી સ્ક્રીન પર રિપ્લે જોતી વખતે જયસૂર્યા અત્યંત નારાજ જણાતા હતા. બીજી તરફ, ૩૧ બોલમાં ૭૬ રન (૮ છગ્ગા, ૨ ચોગ્ગા) ફટકારનાર કેપ્ટન શનાકા મેદાન પર જ આંખો બંધ કરીને નિરાશામાં બેસી પડ્યો હતો.
પાકિસ્તાન અને શ્રીલંકા બંને બહાર
આ રોમાંચક વિજય છતાં પાકિસ્તાન માટે માઠા સમાચાર આવ્યા છે. પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવા માટે શ્રીલંકાને 147 રનની અંદર રોકવાનું હતું, જે તે કરી શક્યું નહીં. પરિણામે, ગ્રુપ-2માંથી ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયા છે. પાકિસ્તાન અને શ્રીલંકા બંને આ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયા છે.


