Get The App

24 કલાકમાં 4 ખેલાડી બહાર... 3ને ઈજા, ચોથાની શિસ્તભંગના કારણે T20 વર્લ્ડ કપમાંથી હકાલપટ્ટી!

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
24 કલાકમાં 4 ખેલાડી બહાર... 3ને ઈજા, ચોથાની શિસ્તભંગના કારણે T20 વર્લ્ડ કપમાંથી હકાલપટ્ટી! 1 - image


Image Source: IANS

T20 World Cup : ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026માં દરરોજ રોમાંચક ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 13 મુકાબલા પૂર્ણ થયા છે, જેમાં નાની ટીમોએ પણ દિગ્ગજ ટીમોને હંફાવી દીધી છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેના મેચમાં જોવા મળેલા બે 'સુપર ઓવર' એ સાબિત કરી દીધું છે કે આ ટુર્નામેન્ટ હવે પૂરેપૂરી જામી ગઈ છે.

જોકે, મેદાન પરના આ રોમાંચ વચ્ચે ખેલાડીઓની ઇજા ટીમો માટે મુસીબત બનીને આવી છે. છેલ્લા 24 કલાકમાં 4 ખેલાડીઓ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે, જેણે ટુર્નામેન્ટનું સમીકરણ બદલી નાખ્યું છે.

1. ન્યૂઝીલેન્ડને મોટો ફટકો: માઈકલ બ્રેસવેલ બહાર

કીવી ટીમના સ્ટાર ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ ટ્રેનિંગ સત્ર દરમિયાન ઘૂંટીમાં ગંભીર ઇજાનો શિકાર બન્યા છે. બ્રેસવેલ પોતાની ઓફ-સ્પિન બોલિંગથી રન રોકવા ઉપરાંત નીચલા ક્રમે આક્રમક બેટિંગમાં પણ આક્રામક પ્રદર્શન કરતો હતો. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં જ તેમના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે, પરંતુ ટીમ સંતુલન માટે આ એક મોટું નુકસાન છે. કારણ કે ટીમે મહત્વનો ઓલરાઉન્ડર ગુમાવ્યો છે. હાલમાં ન્યૂઝીલેન્ડ 2 મેચમાં 4 પોઈન્ટ સાથે ગ્રુપ-ડીમાં ટોચ પર છે.

2. શ્રીલંકાનો મુખ્ય હથિયાર 'હસરંગા' ઈજાગ્રસ્ત

શ્રીલંકા માટે સૌથી માઠા સમાચાર પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ લેગ-સ્પિનર વાનિન્દુ હસરંગા તરીકે આવ્યા છે. આયર્લેન્ડ સામેની પ્રથમ મેચ દરમિયાન હસરંગાની હેમસ્ટ્રિંગની જૂની ઇજા ફરી ઉભરી આવી હતી. જેના કારણે તે આખા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ચુક્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેના સ્થાને ઓલરાઉન્ડર દુશાન હેમંથાને ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. 31 વર્ષીય હેમંથા હવે ઓમાન સામેની આગામી મેચમાં રમતો જોવા મળી શકે છે.

3. અમેરિકાની નબળી પડતી બોલિંગ લાઇન-અપ

યજમાન અમેરિકા (USA)ની ટીમ માટે પણ મુશ્કેલીઓ સતત વધી રહી છે. ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસદીપ સિંહ ઇજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેની ગેરહાજરીમાં અમેરિકાની બોલિંગ નબળી દેખાઈ રહી છે. જેની અસર ટીમના પ્રદર્શન પર પણ પડી રહી છે. યુએસએ અત્યાર સુધી રમાયેલી બંને મેચ હારી ચૂક્યું છે.

4. UAEના ખેલાડી પર શિસ્તભંગને લઈને એક્શન

મેદાન પરની ઇજાઓ સિવાય, યુનાઇટેડ આરબ અમીરાતની (UAE) ટીમમાં શિસ્તનો મુદ્દો ગાજ્યો છે. યુવા ખેલાડી મોહમ્મદ જોહૈબ પર આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે. એમિરેટ્સ ક્રિકેટ બોર્ડે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવીને તેને તાત્કાલિક અસરથી વર્લ્ડ કપ છોડીને ઘરે પરત મોકલી દીધો છે. આ નિર્ણય દ્વારા બોર્ડે ખેલાડીઓમાં શિસ્ત જાળવવાનો કડક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.