Get The App

T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું - 'સોશિયલ મીડિયા નહીં...'

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું - 'સોશિયલ મીડિયા નહીં...' 1 - image

T20 World Cup 2026: ટીમ ઇન્ડિયાએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ન્યૂઝીલૅન્ડને 96 રનથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે. રવિવાર, 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા આ ફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમે કિવીઝને જીતવા માટે 256 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતાં કિવીઝ 19 ઓવરમાં 159 રનમાં જ ઓલઆઉટ થઈ ગયા હતા.

T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો

આ ઐતિહાસિક જીત બાદ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ટીકાકારો પર ભડક્યો અને તેમના પર આકરા પ્રહાર કર્યા છે. ગંભીરે કહ્યું કે, હું માત્ર ડ્રેસિંગ રૂમમાં રહેલા લોકો પ્રત્યે જ જવાબદાર છું. મારી જવાબદારી માત્ર ટીમ અને સપોર્ટ સ્ટાફ સુધીની જ છે, આ સાથે જ સોશિયલ મીડિયાની ટીકા મને અસર નથી કરતી. ગંભીરે T20 વર્લ્ડ કપમાં ભારતની ખિતાબી જીત દિગ્ગજ ખેલાડીઓ વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડને સમર્પિત કરી.

મારી જવાબદારી એ 30 લોકો પ્રત્યે જ છે

ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'મારી જવાબદારી સોશિયલ મીડિયા પરના લોકો પ્રત્યે નથી. મારી જવાબદારી એ 30 લોકો પ્રત્યે છે જે ડ્રેસિંગ રૂમમાં છે.' ગંભીર 2007માં ભારતના પ્રથમ T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતા. હવે 2026માં કોચ તરીકે તેમણે T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. 

ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે, કોચ એટલો જ સારો હોય છે જેટલી સારી તેની ટીમ હોય. ખેલાડીઓ જ મને એવો કોચ બનાવે છે જે હું છું.' ભારતની જીતમાં વિકેટકીપર સંજુ સેમસન (89 રન), ઓપનર અભિષેક શર્મા (52 રન) અને ઈશાન કિશન(54 રન)ની આક્રમક બેટિંગે મોટી ભૂમિકા ભજવી હતી. 

 વ્યક્તિગત રૅકોર્ડને નહીં, ટ્રોફીને પ્રાથમિકતા

ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું કે, 'ભારતીય ક્રિકેટમાં હવે વ્યક્તિગત રૅકોર્ડને નહીં, ટ્રોફીને પ્રાથમિકતા આપવી જોઈએ. આપણે લાંબા સમય સુધી માઇલસ્ટોનનો જશ્ન મનાવ્યો. માઇલસ્ટોન મહત્ત્વનો નથી ટ્રોફી મહત્ત્વની છે. હું આ ખિતાબ રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણને સમર્પિત કરું છું. રાહુલ ભાઈએ ભારતીય ક્રિકેટ માટે જે કંઈ કર્યું છે તેના માટે અને વીવીએસ લક્ષ્મણે સેન્ટર ઑફ એક્સેલન્સ(COE)નું નેતૃત્વ જે રીતે કર્યું છે તેના માટે.'

 હવે હારનો ડર છોડવો પડશે

ગૌતમ ગંભીરે ભારતીય ટીમની નીડર અને સાહસી બેટિંગની પણ ખૂબ પ્રશંસા કરી. ગંભીરે કહ્યું કે, 'આપણે હવે હારનો ડર છોડવો પડશે. 120 રન બનાવીને આઉટ થવું ઠીક છે. આપણી તાકાત હિંમત અને બહાદુરી છે. સેમિફાઇનલ અને ફાઇનલમાં 250-250 રન બનાવવા એ તેનો પુરાવો છે.'

કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ગૌતમ ગંભીરના નેતૃત્વની પ્રશંસા કરી અને તેમના પરના વિશ્વાસ અને સમજણ પર પ્રકાશ પાડ્યો. સૂર્યાએ કહ્યું કે, 'હું કોલકાતા નાઇટ રાઇડર્સ(KKR)માં ચાર વર્ષ સુધી ગૌતમ ગંભીરની કૅપ્ટનશીપ હેઠળ રમ્યો. ક્યારેય કોઈ દલીલ ન થઈ કારણ કે અમારી પ્રાથમિકતા હંમેશા ટીમની જીત રહી હતી.'

આ પણ વાંચો: એક માત્ર કોચ બન્યો ગૌતમ ગંભીર જેના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા બે ICC ટ્રોફી જીતી

ગંભીરે સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરી અને પુનરોચ્ચાર કર્યો કે, 'ટ્રોફી જીતવી એ વ્યક્તિગત રૅકોર્ડ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. સૂર્યાએ મારું કામ સરળ બનાવી દીધું. હવે અમારી જવાબદારી ટ્રોફી જીતવાની છે, સિદ્ધિઓનો જશ્ન મનાવવાની નથી.'

ભારતીય ટીમ નીડર, હિંમત અને સખત મહેનતના દમ પર T20 વર્લ્ડ કપ 2026 જીતવામાં સફળ રહી. કોચ ગૌતમ ગંભીરે આ જીત ખેલાડીઓની મહેનત અને ટ્રોફીના મહત્ત્વને સમર્પિત કરી.