'હાશ! ટ્રોફીને હાથ તો લગાવ્યો...', કેપ્ટન સૂર્યાએ ઓસ્ટ્રેલિયાને હરાવી મોહસિન નકવીને માર્યો ટોણો!

Surya Kumar Yadav News : ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર પાંચ મેચોની T20 શ્રેણીમાં 2-1થી ભલે પછાડી દીધી હોય, પરંતુ અસલી સમાચાર તો મેચ પછી આવ્યા. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે શ્રેણી જીતવાની ટ્રોફી ઉઠાવ્યા બાદ એવા શબ્દો કહ્યા કે સીધા પાકિસ્તાનના અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચીફ મોહસિન નકવીના દિલમાં સોંસરવા ઉતરી ગયા હશે! સૂર્યાએ પોતાના નિવેદનથી એશિયા કપ 2025ના ટ્રોફી વિવાદની યાદ અપાવી દીધી, જેમાં ભારતીય ટીમ ચેમ્પિયન તો બની પણ ટ્રોફી હજુ સુધી ઘરે આવી નથી.
શું કહ્યું સૂર્યકુમાર યાદવે?
શનિવારે બ્રિસ્બેનમાં શ્રેણીની છેલ્લી મેચ વરસાદને કારણે રદ થઈ, પરંતુ ભારત શ્રેણી જીતી ચૂક્યું હતું. શ્રેણી જીત્યા બાદ સૂર્યાએ મંદ-મંદ હસીને કહ્યું, "હાશ! આખરે કોઈ ટ્રોફીને સ્પર્શ કરવાનો અહેસાસ ખૂબ જ સારો લાગી રહ્યો છે. જ્યારે મને આ ટ્રોફી સોંપવામાં આવી, ત્યારે મેં તેને મારા હાથમાં અનુભવી."
મોહસિન નકવી પર કટાક્ષ
સૂર્યાનો આ કટાક્ષ સીધો મોહસિન નકવી પર હતો. યાદ અપાવી દઈએ કે એશિયા કપ 2025 જીત્યા બાદ ભારતીય ટીમે નકવીના હાથે ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી, નકવી સાહેબ ટ્રોફી લઈને રફુચક્કર થઈ ગયા હતા અને તે ટ્રોફી આજે પણ ACCની ઓફિસમાં ધૂળ ખાઈ રહી છે, ભારત પહોંચી જ નથી.
એક પછી એક ટોણા માર્યા
સૂર્યા આટલેથી જ ન અટક્યા, તેમણે વધુ મીઠું-મરચું ભભરાવતા કહ્યું, "થોડા દિવસો પહેલા એક બીજી ટ્રોફી પણ ભારત આવી છે. આપણી મહિલા ટીમે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. એ ટ્રોફી તો ઘરે આવી ગઈ છે. હવે આ ટ્રોફીને પકડીને પણ ખૂબ સારું લાગી રહ્યું છે." આ નિવેદનથી સૂર્યાએ સ્પષ્ટ કરી દીધું કે જીતેલી ટ્રોફી ઘરે આવે તો કેવો આનંદ થાય!
હવે BCCI વિવાદ શાંત પાડવા મેદાનમાં
સૂર્યાના આ નિવેદનથી આગ લાગે તે પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ દેવજીત સૈકિયા વિવાદને શાંત પાડવા મેદાનમાં ઉતર્યા છે. તેમણે કહ્યું છે કે BCCI અધિકારીઓની મોહસિન નકવી સાથે "સકારાત્મક વાતચીત" થઈ છે અને આશા છે કે ટૂંક સમયમાં આ મુદ્દો ઉકેલાઈ જશે. ઉલ્લેખનીય છે કે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ભારતીય T20 ટીમ અજેય રહી છે. તેમની જ કપ્તાની હેઠળ ભારતે એશિયા કપમાં પાકિસ્તાનને ફાઇનલ સહિત ત્રણ વખત હરાવ્યું હતું. કદાચ એટલે જ સૂર્યાને મેદાન પર અને મેદાન બહાર, બંને જગ્યાએ વાતને કેવી રીતે ફટકારવી તે બરાબર આવડે છે!

