IPLમાં ચમક્યો મુંબઈનો સૂર્યકુમાર, એકસાથે તોડ્યા ત્રણ મહારેકોર્ડ, સચિન-જયસૂર્યાને પછાડ્યા
Suryakumar Yadav: સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં મુંબઈ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં પંજાબે મુંબઈને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે, પંજાબ કિંગ્સ હવે 19 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, જ્યારે મુંબઈની ટીમ ચોથા સ્થાને રહેશે. પરંતુ સૂર્યકુમાર યાદવે આ મેચમાં ઇતિહાસ રચ્યો. તેણે આ સિઝનમાં 619 થી વધુ રન બનાવ્યા છે. આ સાથે જ સૂર્યકુમારે એકસાથે ત્રણ મહારેકોર્ડ તોડીને ઈતિહાસ રચી દીધો છે.
1. સૂર્યકુમારે તોડ્યો સચિનનો રેકોર્ડ
સૂર્યકુમાર મુંબઈ ઈન્ડિયન્સ માટે એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બન્યો. આ સિઝનમાં તેણે 640 રન બનાવ્યા છે. સૂર્યાએ આ બાબતમાં સચિન તેંડુલકરનો પણ રેકોર્ડ તોડ્યો છે. સચિને 2010 માં 618 રન બનાવ્યા હતા.
2. જયસૂર્યાનો રેકોર્ડ તોડ્યો
સૂર્યાએ પોતાની ઇનિંગમાં 2 સિક્સર ફટકારી છે તેમજ આ સિઝનમાં તેણે 32 સિક્સ ફટકારી છે. તે મુંબઈ માટે એક સિઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર બન્યો. આ સાથે જ તેણે પૂર્વ ઓપનર સનથ જયસૂર્યાનો રેકોર્ડ તોડ્યો હતો. શ્રીલંકાના આ દિગ્ગજ ખેલાડીએ 2008માં 31 સિક્સ ફટકારી હતી. ઈશાન કિશને 2020માં 30 સિક્સ, કિરોન પોલાર્ડે 2013માં 29 સિક્સ અને હાર્દિક પંડ્યાએ 2019માં 29 સિક્સ ફટકારી હતી.
3. તેમ્બા બવુમાનો પણ રેકોર્ડ તોડ્યો
સૂર્યાએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો. તેણે T20 ક્રિકેટમાં સતત 14 ઇનિંગ્સમાં 25 કે તેથી વધુ રન બનાવ્યા છે. આ બાબતમાં તેણે દક્ષિણ આફ્રિકાના અનુભવી ખેલાડી તેમ્બા બવુમાને પાછળ છોડી દીધો. બવુમાએ 2019-20 દરમિયાન સતત 13 ઇનિંગ્સમાં 25+ રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડિઝના કાયલ મેયર્સે 2014 માં 11 વખત, ઓસ્ટ્રેલિયાના ક્રિસ લિને 2019-20 માં 11 વખત અને શ્રીલંકાના કુમાર સંગાકારાએ 2015 માં 11 વખત આ કર્યું હતું.