Get The App

VIDEO: 'ગુસ્સો છોડી દે ભાઈ', સૂર્યકુમારે કુલદીપ યાદવ સાથે રમૂજી અંદાજમાં વીડિયો કર્યો શેર

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: 'ગુસ્સો છોડી દે ભાઈ', સૂર્યકુમારે કુલદીપ યાદવ સાથે રમૂજી અંદાજમાં વીડિયો કર્યો શેર 1 - image

Suryakumar Kuldeep Viral Video: ભારતીય ટીમે રવિવારે પાકિસ્તાનને હરાવીને ટી20 વિશ્વકપમાં સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. ભારતે કોલંબોમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનને 61 રને પરાસ્ત કર્યું હતું. ટી20 વિશ્વકપમાં ભારતની આ પાકિસ્તાન સામે 8મી જીત છે. પાકિસ્તાન ઓલઆઉટ થયા બાદ હાર્દિક પંડયા અને સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવ વચ્ચે ગુસ્સાભર્યા ઈશારાઓમાં વાતચીત થઈ હતી. એવું લાગતું હતું કે હાર્દિક અને સૂર્યકુમાર યાદવ કુલદીપ યાદવે જે કેચ છોડ્યો તેનાથી નારાજ હતા. 

નારાજ કુલદીપ યાદવને મનાવવાનો પ્રત્યન

જો કે તિલક વર્મા અને રીકું સિંહે મામલો સંભાળી લીધો હતો અને ખેલાડીઓ વચ્ચે વધુ રકઝક થાય તે પહેલા જ મામલો શાંત કરી દીધો હતો. આ દરમિયાન કુલદીપ યાદવે સૂર્યકુમાર સાથે હાથ મળાવ્યો હતો પણ ગળે મળવા જતાં તે નીકળી ગયો હતો જેથી કેપ્ટન સૂર્યા ગુસ્સે થયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો છે. જે બાદ આ ઘટનાને ટાંકીને સૂર્યકુમાર યાદવે ફરી કુલદીપ સાથે હોટલમાં એ જ પ્રકારનો વીડિયો બનાવી શેર કર્યો છે જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. 

'ગુસ્સો છોડી દે ભાઈ'

સૂર્યકુમારે રમૂજી અંદાજમાં વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે હવે તો 'ગુસ્સો છોડી દે ભાઈ', વીડિયોમાં પાછળ હેરાફેરીના બાબૂરાવનો ડાયલોગ્સ ચાલી રહ્યો છે, આ વીડિયોથી સૂર્યાએ લોકોને સંદેશો આપ્યો છે કે મેચ દરમિયાન થયેલી થોડી ઘણી રકઝક બાદ ટીમ ઈન્ડિયામાં માહોલ પહેલા જેવો જ શાંત છે બધા એકબીજા સાથે હળીમળીને રહી રહ્યા છે અને મસ્તી પણ કરી રહ્યા છે.

શું હતો સમગ્ર મામલો?

મેચની 18મી ઓવર દરમિયાન આ આખી ઘટના બની હતી. હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો ત્યારે પાકિસ્તાની બેટ્સમેન શાહીન આફ્રિદીએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો. બોલ હવામાં ઘણો ઊંચો ગયો અને બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી રહેલા કુલદીપ યાદવ પાસે કેચ પકડવાની સરળ તક હતી. કુલદીપ બોલની નીચે સેટ પણ થઈ ગયો હતો, પરંતુ અંતિમ ક્ષણે તેની એકાગ્રતા ભંગ થઈ અને બોલ હાથમાંથી છટકીને બાઉન્ડ્રીની બહાર જઈ પડ્યો. કેચ તો છૂટ્યો જ, પણ સાથે પાકિસ્તાનને છ રન પણ મળ્યા.

આ પણ વાંચો: IND vs PAK: ટી20 વર્લ્ડકપમાં ફરી થશે ભારત-પાકિસ્તાન મેચ? જાણો સેમિફાઇનલ-ફાઇનલનું ગણિત

કેપ્ટન અને બોલરનો પિત્તો ગયો

આ પહેલાના જ બોલ પર વિકેટ કીપર ઈશાન કિશન પણ કેચ પકડવામાં નિષ્ફળ રહ્યો હતો. પાક ખેલાડીને સતત બે જીવનદાન મળતા હાર્દિક પંડ્યાનો પિત્તો ગયો હતો. મેચ પૂરી થયા બાદ જ્યારે ખેલાડીઓ ડ્રેસિંગ રૂમ તરફ પાછા ફરી રહ્યા હતા, ત્યારે હાર્દિક અત્યંત આક્રમક અંદાજમાં કુલદીપને કંઈક કહી રહ્યો હતો. કેપ્ટન સૂર્યા પણ આ ફિલ્ડિંગથી ખુશ નહોતો અને તેણે પણ કુલદીપના ક્લાસ લીધા હતા. આ દરમિયાન યુવા ખેલાડી તિલક વર્મા ચિંતિત દેખાયો હતો, જ્યારે રિંકુ સિંહ મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. જે બાદ સોમવારે સૂર્યકુમાર યાદવે કુલદીપ યાદવ સાથે એક રમૂજી વીડિયો બનાવી તેને મનાનવાની કોશિશ કરી હતી.