Sports

ક્રિકેટ જગતને સિતારાઓનું ગુડબાય

By GS TEAM
26 Dec 20251 min read
ક્રિકેટ જગતને સિતારાઓનું ગુડબાય

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાંથી દિગ્ગજ ક્રિકેટરોએ નિવૃત્તિ જાહેર કરતાં એક પ્રકારનો ખાલીપો સર્જાયો હતો. દ્રવિડની નિવૃત્તિ બાદ 'વોલ' તરીકેની ઓળખ ધરાવતા સૌરાષ્ટ્રના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ તમામ ફોરમેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.વિન્ડિઝના માત્ર ૨૯ વર્ષના વિસ્ફોટક બેટ્સમેન પૂરણે તેમજ સાઉથ આફ્રિકાના ૩૪ વર્ષના ક્લાસૅને તમામ સ્તરના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતા ચાહકોને આંચકો આપ્યો હતો. રોહિત-કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ ઉપરાંત સહા, પિયુષ ચાવલા, અમિત મિશ્રા, આરોન, ગપ્ટિલ, રસેલ, તમીમ અને મહમુદુલ્લાહ, કરૂણારત્ને વગેરેએ પણ કારકિર્દી પર પૂર્ણવિરામ મૂક્યું હતુ. 

 ધુરંધર ક્રિકેટરો અને દિગ્ગજોની ચિરવિદાય

આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરનારા દિગ્ગજ ક્રિકેટરોએ ૨૦૨૫માં ચિરવિદાય લેતા ક્રિકેટ જગત શોકમગ્ન બન્યું હતુ. ભારતીય ક્રિકેટમાં ૧૯૬૦ અને ૧૯૭૦ના દશકમાં ઓલરાઉન્ડર તરીકે મહત્વની ભૂમિકા ભજવનારા સૈયદ આબીદ અલીએ ૮૩ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. રાજકોટમાં જન્મેલા સ્પિનર દિલીપ દોશીએ ૭૭ વર્ષની વયે લંડનમાં આ ફાની દુનિયાને અલવિદા કહ્યું હતુ. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને કોચ તેમજ ઓલરાન્ડર બોબ સિમ્પસન, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટસમેન રોબિન સ્મિથ અને  જાણીતા અમ્પાયર  ડિકી બર્ડનું પણ  નિધન થયું હતુ.