આજથી શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં ઇંગ્લેન્ડ 'હોટ ફેવરિટ'
- વન-ડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડ ટોચના, શ્રીલંકા આઠમા સ્થાને છે
- બપોરે 2: 30થી પ્રથમ વન-ડેનો પ્રારંભ
દામ્બુલા, તા. ૯
પ્રવાસી ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે બુધવારથી પાંચ મેચની વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે. સામાન્ય રીતે ઘરઆંગણાની વન-ડે શ્રેણીમાં શ્રીલંકા હોટફેવરિટ તરીકે ઉતરતું હોય છે. પરંતુ આવતીકાલથી શરૃ થતી વન-ડે શ્રેણીમાં તેમાં અપવાદ છે. આઇસીસી વન-ડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડ ટોચના જ્યારે શ્રીલંકા આઠમા ક્રમે છે. ઇંગ્લેન્ડની વન-ડે ટીમ ખૂબ જ સારું સંતુલન ધરાવે છે જ્યારે શ્રીલંકાની ટીમ ગત મહિને એશિયા કપના 'સુપર ફોર' માટે પણ ક્વોલિફાઇ થઇ શકી નહોતી. આમ, આ વન-ડે શ્રેણીમાં ઇંગ્લેન્ડ હોટફેવરિટ તરીકે ઉતરશે.
ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી સાથે દિનેશ ચાંદિમલ કેપ્ટન તરીકે પરત ફર્યો છે. આવતીકાલથી શરૃ થતી વન-ડે શ્રેણીમાં ઘરઆંગણે રમવાનો શ્રીલંકાને ફાયદો થઇ શકે છે. જોકે, ઇંગ્લેન્ડની ટીમ પાસે ઉંડાણ છે. ટોપ ઓર્ડરમાં જેસોન રોય, જોસ બટલર, મોર્ગન, રૃટ, બૈરસ્તો જેવા બેટ્સમેન મોઇન અલી, ક્રિસ વોક્સ, બેન સ્ટોક્સ જેવા ઓલરાઉન્ડર ઇંગ્લેન્ડને મજબૂતી આપે છે.
શ્રીલંકાપ્રવાસમાં ઇંગ્લેન્ડ પાંચ વન-ડે, ૧ ટ્વેન્ટી૨૦, ૩ ટેસ્ટમાં રમશે. ટેસ્ટ શ્રેણી ૬ નવેમ્બરથી ૨૭ દરમિયાન ખેલાશે.
ટીમ ઃ શ્રીલંકા ઃ દિનેશ ચાંદિમલ (કેપ્ટન), ઉપુલ થારંગા સદીરા સમરવિક્રમા, નિરોશન ડિકેવેલા, ધનંજયા ડી સિલ્વા, થિસારા પરેરા, અકિલા દનંજયા, દુશામાંથા ચમીરા, લસિત મલિંગા, અમિલા એપોન્સો, નુવાન પ્રદીપ, લક્સન સંદકન, કાસુન રણજીથા, કુશલ પરેરા. ઇંગ્લેન્ડ ઃ ઓઇન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બૈરસ્તો, જોસ બટલર, સેમ કરન, ટોમ કરન, લિયામ ડૌસન, એલેક્સ હેલ્સ, લિયામ પ્લંકેટ્ટ, આદિલ રશિદ, જો રૃટ, જેસોન રોય, બેન સ્ટોક્સ, ઓલી સ્ટોન, ક્રિસ વોક્સ, માર્ક વૂડ.
૬૯
વન-ડે શ્રીલંકા ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ છે. જેમાંથી શ્રીલંકાનો ૩૪માં, ઇંગ્લેન્ડનો ૩૩મા વિજય થયો છે જ્યારે ૧ મેચ ટાઇ-૧ રદ રહી છે.
વન-ડે શ્રેણીનો કાર્યક્રમ
તારીખ મેચ સમય
૧૦ ઓક્ટોબર પ્રથમ વન-ડે બપોરે ૨ઃ૩૦
૧૩ ઓક્ટોબર બીજી વન-ડે સવારે ૯ઃ૪૫
૧૭ ઓક્ટોબર ત્રીજી વન-ડે બપોરે ૨ઃ૩૦
૨૦ ઓક્ટોબર ચોથી વન-ડે સવારે ૯ઃ૪૫
૨૩ ઓક્ટોબર પાંચમી વન-ડે બપોરે ૨ઃ૩૦