Ganguly's Birthday : અડધી રાતે ડાન્સ કરતા જોવા મળ્યા Dada, લંડનના રસ્તા પર બતાવી હીરોગીરી
- IPLના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજીવ શુક્લાએ ગાંગુલીની પ્રી-બર્થ ડે પાર્ટીની તસવીર ટ્વિટર ઉપર શેર કરી હતી
મુંબઈ, તા. 09 જુલાઈ 2022, શનિવાર
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી શુક્રવારના રોજ 50 વર્ષના થઈ ગયા છે. તેમણે મિત્રો અને પરિવારના સભ્યો સાથે લંડન ખાતે પોતાનો 50મો જન્મ દિવસ ઉજવ્યો હતો. ગાંગુલીએ પોતાનો જન્મ દિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો હતો. તેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગાંગુલી અડધી રાત્રે લંડનના રોડ ઉપર તેમની પુત્રી સના, પત્ની ડોના અને મિત્રો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ગાંગુલીએ અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમની ફિલ્મ 'દેશી બોયઝ'ના ગીત 'તૂ મેરા હિરો' ઉપર જોરદાર ડાન્સ કર્યો હતો.
આ અગાઉ ગાંગુલીએ પ્રી-બર્થ ડે પાર્ટી પણ કરી હતી. IPLના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજીવ શુક્લાએ આ પાર્ટીની એક તસવીર ટ્વિટર ઉપર શેર કરી હતી. આ પાર્ટીમાં સૌરવ ગાંગુલીની સાથે સચિન તેંડુલકર અને રાજીવ શુક્લા ઉપરાંત BCCIના સચિવ જય શાહ અને ખજાનચી અરુણ ધૂમલ સહિત અનેક સભ્યો જોવા મળ્યા હતા. આ સિવાય એક અન્ય તસવીર પણ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં ગાંગુલીની પત્ની ડોના અને સચિનની પત્ની અંજલી તેંડુલકર એકસાથે જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, ગાંગુલી અને સચીન ખાસ મિત્રો છે અને તેઓ સ્કૂલમાં પણ સાથે ક્રિકેટ રમતા હતા. સચિન અને સૌરવની જોડી વન-ડેના ઈતિહાસની સૌથી શ્રેષ્ઠ ઓપનિંગ જોડીમાંની એક હતી.
ગાંગુલી 2000માં ભારતના કેપ્ટન બન્યા હતા
ગાંગુલીએ વર્ષ 1992માં ભારત માટે ઈન્ટરનેશન ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2000માં તેમને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. તેઓ 8 વર્ષ સુધી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહ્યા હતા. ગાંગુલીએ તેમના કરિયરમાં 311 વન-ડે મેચમાં 11,363 રન અને 113 ટેસ્ટ મેચમાં 7 હજારથી વધુ રન બનાવેલા છે.