'મારી અને દ્રવિડ સાથે પણ આવું થયું...', રોહિતની કેપ્ટન્સી મામલે ગાંગુલીનું ચોંકાવનારું નિવેદન

Ganguly supported India's ODI captaincy: ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતીય ટીમની જાહેરાત થયા બાદથી જ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની ચર્ચા ઘણી થઈ રહી છે. ટીમના સિલેક્ટરે ઑસ્ટ્રેલિયા સામેની ODI મેચ માટે ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલને કેપ્ટનની જવાબદારી સોપતા અનેક ક્રિકેટપ્રેમીઓ નારાજ છે. પણ ભારતના ભૂતપૂવ કેપ્ટન અને BCCI ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી એવું નથી માનતો કે રોહિત શર્માને વનડે કેપ્ટનશીપમાંથી દૂર કરવાનો મુદ્દો પણ છે. તેણે તેણે રોહિતના વખાણ કર્યા અને કહ્યું કે તે કે ખુબ સારો લીડર છે.
શું કહ્યું ગાંગુલીએ ?
સૌરવ ગાંગુલીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'રોહિત એક ખૂબ સારો લીડર છે, તેના નેતૃત્વમાં ભારતીય ટીમે T-20 વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. તેનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. મને વિશ્વાસ છે કે સિલેક્ટરે રોહિત સાથે કેપ્ટનશિપની મુદ્દે વાત કરી હશે. મને નથી લાગતું કે તેને જાણ કર્યા વગર કેપ્ટનશિપની જવાબદારીથી તેને બરતરફ કર્યો હોય. 2027ના વર્લ્ડકપમાં તે 40 વર્ષનો થશે. આ એક મોટો નંબર છે. કેપ્ટનશિપને લઈને આવું મારી સાથે પણ થયું છે. રાહુલ સાથે પણ થયું છે. 40 વર્ષની ઉંમરે શુભમનને પણ સામનો કરવો પડશે.'
શુભમન ગિલની કેપ્ટનશિપ વિશે શું કહ્યું?
શુભમન ગિલને ટેસ્ટ પછી વન-ડેમાં કેપ્ટન બનાવવાના નિર્ણયને સમર્થન આપતા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, 'ગિલને પ્રમોટ કરવો તે ખોટો નિર્ણય નથી, ઈંગ્લેન્ડ સામેની મેચમાં તેણે ટીમનું ખૂબ સારુ નેતૃત્વ કર્યું હતું. મને લાગે છે કે શુભમનને કેપ્ટન બનાવાનો નિર્ણય સાચો છે. રોહિત ત્યાં સુધી રમી શકે છે જ્યાં સુધી બોર્ડ એક યુવાન ક્રિકેટરને કેપ્ટન બનાવવા તૈયાર કરી શકે.'
રોહિતે ઘરેલુ ક્રિકેટ રમવી જોઈએ: ગાંગુલી
સૌરવ ગાંગુલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, '40ની ઉંમર ઘણી હોય છે. રોહિતની ફિટનેસ પણ નિર્ભર કરે છે કે તે કેટલા વર્ષ સુધી ક્રિકેટ રમી શકે છે અને કેટલા રન ફટકારે છે. ફિટનેસ માટે તેણે ઘરેલુ ક્રિકેટ રમવી જોઈએ. કારણકે ક્રિકેટ એવી રમત છે કે તમને તેમા સર્વશ્રેષ્ઠ બનવા ક્રિકેટ રમતા રહેવું જોઈએ.' ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ આ મહિનાથી શરૂ થવાનો છે. આ સમયગાળા દરમિયાન, બંને ટીમો ODI અને T20 શ્રેણી રમશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા જોવા મળશે. બંનેને ODI ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. જોકે, રોહિત શર્માના સ્થાને શુભમન ગિલને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.