ક્રિકેટમાં અનોખો રેકોર્ડ, પાકિસ્તાનની મહિલા ખેલાડીએ પહેલીવાર ભારત સામે ફટકાર્યો છગ્ગો
Women's World Cup 2025: મહિલા વર્લ્ડ કપ 2025માં ભારત સામે પાકિસ્તાનને 88 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં પાકિસ્તાની ટીમ બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય વિભાગોમાં ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. ભારતે પહેલા બેટિંગ કરી 247 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે, પાકિસ્તાન ફક્ત 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પાકિસ્તાન માટે સિદરા અમીને અર્ધસદી ફટકારી 81 રન બનાવ્યા હતાં. પરંતુ તે ટીમને વિજય તરફ દોરી શકી નહીં.
સિદરા અમીને અર્ધસદી ફટકારી
સિદરા અમીને મહિલા વર્લ્ડ કપ 2025માં ભારતીય ટીમ સામે 106 બોલમાં કુલ 81 રન બનાવ્યા હતાં. જેમાં નવ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે સિદરાએ ઇતિહાસ રચ્યો હતો. તે ODI ક્રિકેટમાં ભારત સામે છગ્ગો ફટકારનારી પ્રથમ પાકિસ્તાની મહિલા ખેલાડી બની. તેની પહેલા કોઈ પણ પાકિસ્તાની મહિલા ખેલાડીએ ભારત સામે છગ્ગો ફટકાર્યો ન હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 12 મહિલા ODI મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે હંમેશા જીતતી આવી છે. આ 12 મેચમાં પાકિસ્તાને ભારત સામે ફક્ત એક જ સિક્સર ફટકારી છે, અને તે પણ સિદરા અમીને.
અમીનની ધૂઆંધાર બેટિંગ કામમાં ન આવી
ભારત સામેની મેચમાં સિદરા અમીને અડધી સદી ફટકારી હોવા છતાં પાકિસ્તાની ટીમને કોઈ ફાયદો થયો નહીં કારણ કે તેને અન્ય બેટરનો ટેકો મળી શક્યો નહીં, જેના કારણે હારનો સામનો કરવો પડ્યો. સિદરા ઉપરાંત નતાલિયા પરવેઝે 33 રન બનાવ્યા, પરંતુ આખી ટીમ 43 ઓવરમાં 159 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત માટે ક્રાંતિ ગૌડે શાનદાર પર્ફોર્મન્સ કર્યું. તેણે 10 ઓવરમાં માત્ર 20 રન આપીને ત્રણ વિકેટ લીધી, ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. તેને તેના ઉત્તમ પર્ફોર્મન્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો.
પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે
પાકિસ્તાની ટીમને 2025 મહિલા વર્લ્ડ કપમાં સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. ટીમનો પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે સાત વિકેટથી પરાજય થયો હતો. બીજી મેચમાં, તેઓ ભારત સામે 88 રનથી હારી હતી. ઝીરો પોઈન્ટ સાથે તેઓ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને તેમનો નેટ રન રેટ માઈનસ 1.77 છે.