25 રન બનાવતા જ શુભમન ગિલ રચશે ઈતિહાસ, પાકિસ્તાની દિગ્ગજનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ટીમ પાંચ મેચની સીરિઝમાં 1-2 થી પાછળ છે, તેથી આ મેચમાં તેમના માટે કરો યા મરોની સ્થિતિ છે. જો ભારત માન્ચેસ્ટર ટેસ્ટ હારે અથવા ડ્રો કરે છે, તો તે સીરિઝ જીતવાની તક ગુમાવી દેશે. આ મેચમાં બધાની નજર ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ પર રહેશે.
શુભમન ગિલ પાસે મોટો રેકોર્ડ બનાવવાની તક
શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચવાની ખૂબ નજીક છે. જો શુભમન માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં 25 રન બનાવે, તો તે 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખશે. શુભમન 25 રન બનાવતાની સાથે જ ઈંગ્લેન્ડ કોઈ દ્વિપક્ષીય ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર એશિયન બેટ્સમેન બની જશે.
પાકિસ્તાની દિગ્ગજનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે
હાલમાં આ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ યૂસુફના નામ પર છે. જમણા હાથના બેટ્સમેન મોહમ્મદ યૂસુફે 2006માં ઈંગ્લેન્ડમાં 4 મેચની ટેસ્ટ સીરિઝમાં 90.14ની શાનદાર એવરેજથી 631 રન બનાવ્યા હતા. હવે શુભમન ગિલ પાસે મોહમ્મદ યુસુફનો આ રેકોર્ડ તોડવાની સુવર્ણ તક છે.
શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સીરિઝમાં અત્યાર સુધીમાં 3 મેચમાં 607 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 101.16 હતી અને તેણે ત્રણ સદી ફટકારી હતી. ભારતીય કેપ્ટનનો વર્તમાન સીરિઝમાં સર્વોચ્ચ સ્કોર 269 રન રહ્યો છે, જે તેમણે બર્મિંઘહામ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં બનાવ્યો હતો.
ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન (એશિયન બેટર)
મોહમ્મદ યૂસુફ (પાકિસ્તાન)- 4 મેચ, 631 રન, 2006
શુભમન ગિલ (ભારત)- 3* મેચ, 607 રન, 2025
રાહુલ દ્રવિડ (ભારત)- 4 મેચ, 602 રન, 2002
વિરાટ કોહલી (ભારત)- 5 મેચ, 593 રન, 2018
સુનીલ ગાવસ્કર (ભારત) - 4 મેચ, 542 રન, 1979
સલીમ મલિક (પાકિસ્તાન) - 5 મેચ, 488 રન, 1992
શુભમન ગિલ અંગે પૂર્વ કોચે કહી મોટી વાત
ભારતીય ટીમના પૂર્વ કોચ ગ્રેગ ચેપલે શુભમન ગિલ અંગે એક મોટી વાત કહી છે. ચેપલે પોતાની કોલમમાં લખ્યું છે કે, 'ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટ શુભમન ગિલના અત્યાર સુધીના કરિયરની સૌથી મોટી પરીક્ષા હશે. માત્ર બેટ્સમેન તરીકે જ નહીં, પરંતુ કેપ્ટન તરીકે પણ.' ચેપલનું માનવું છે કે ગિલ પાસે શીખવા માટે ખૂબ જ ઓછો સમય છે અને તે પોતાની લાગણીઓ વ્યક્ત ન કરી શકે.
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરથી માંડી બિહારની SIR પ્રક્રિયા.. સંસદમાં આજથી ચોમાસુ સત્ર, હોબાળાની શક્યતા
ભારતીય ટીમે તેંડુલકર-એન્ડરસન ટ્રોફી 2025ની શરૂઆત લીડ્સ ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર સાથે કરી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટન ટેસ્ટ મેચમાં શાનદાર વાપસી કરી અને યજમાન ઈંગ્લેન્ડ સામે 336 રનનો રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો. જોકે, લોર્ડ્સ ટેસ્ટ મેચમાં 22 રનથી મળેલી હારે તેને ફરી બેકફૂટ પર ધકેલી દીધી.