રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિની અટકળો પર વિરામ! શુભમન ગિલે કહ્યું- તેમના અનુભવની ટીમને જરૂર

Shubman Gill on Rohit Sharma & Virat Kohli: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 10 ઑક્ટોબરથી નવી દિલ્હીમાં રમાશે. આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો ઉદ્દેશ્ય માત્ર વેસ્ટ ઇન્ડિઝને 2-0થી હરાવવાનો જ નથી, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ સાથે જોડાઈ રહેલા બે મોટા ખેલાડીઓ-વિરાટ કોહલી અને રોહિત શર્મા પર પણ બધાની નજર રહેશે.
આ બંને દિગ્ગજ ક્રિકેટરો ચેમ્પિયન્સ ટ્રોફી બાદ 7 મહિનાના લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરી રહ્યા છે. તેમની વાપસીથી ચાહકો ઉત્સાહિત છે, જોકે તેમનું વન-ડે ભવિષ્ય હાલમાં અનિશ્ચિત છે. આ પરિસ્થિતિ વચ્ચે, ભારતીય ટીમના નવા વન-ડે કૅપ્ટન શુભમન ગિલે રોહિત-વિરાટ વિશે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
શુભમન ગિલે રોહિત-વિરાટ વિશે શું કહ્યું?
રોહિત શર્મા અને વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં સ્થાન મળ્યું છે, જોકે રોહિત પાસેથી વન-ડેની કૅપ્ટનશિપ છીનવી લેવાઈ છે. તેનું વન-ડે ભવિષ્ય સ્પષ્ટ નથી અને આ સિરીઝ તેની છેલ્લી હોઈ શકે છે.
આ દરમિયાન, વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ પહેલા યુવા સ્ટાર શુભમન ગિલે રોહિત-વિરાટના વખાણ કર્યા. ગિલનું માનવું છે કે આ બંને ખેલાડીઓ 2027 વન-ડે વર્લ્ડ કપમાં ભારતની સફળતામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
ગિલે કહ્યું, 'બંને પાસે જે અનુભવ અને સ્કિલ છે, તે સહેલાઈથી મળતું નથી. બહુ ઓછા ખેલાડીઓ છે જેમણે ભારત માટે આટલી મેચ જીતાડી હોય. દુનિયામાં પણ એવા બહુ ઓછા ખેલાડીઓ છે જેમની પાસે આટલી કાબિલિયત, ગુણવત્તા અને અનુભવ હોય.'
રોહિતના પગલે ચાલવા તૈયાર ગિલ
શુભમન ગિલે એમ પણ કહ્યું કે, 'હું પૂર્વ કૅપ્ટન રોહિત શર્મા પાસેથી શીખેલા શાંત સ્વભાવ અને ટીમમાં મૈત્રીપૂર્ણ માહોલને પોતાની કૅપ્ટનશિપમાં લાવવા માગું છું. ગિલે કહ્યું કે ભારતની કૅપ્ટનશિપ કરવી મારા માટે ઘણું મોટું સન્માન છે. રોહિત ભૈયાના શાંત સ્વભાવની જે ખાસિયત છે અને તેમણે ટીમમાં જે એકતા અને મિત્રતા બનાવી, હું તેને મારી કૅપ્ટનશિપમાં અપનાવવા માગું છું.'
ગૌતમ ગંભીર સાથેના સંબંધો પર બોલ્યો ગિલ
ગિલે કોચ ગૌતમ ગંભીર સાથેના પોતાના સંબંધો વિશે પણ વાત કરી અને કહ્યું કે, 'અમારો સંબંધ ઘણો સારો છે. અમે એ વાત પર ચર્ચા કરીએ છીએ કે ખેલાડીઓને સલામતીનો અહેસાસ કેવી રીતે કરાવી શકાય. આ ઉપરાંત, અમે એક મજબૂત ઝડપી બોલરોનો પૂલ તૈયાર કરવા પર પણ ચર્ચા કરીએ છીએ, જે ભવિષ્યમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.'