ન્યૂઝીલેન્ડ સામેની વનડે પહેલા શુભમન ગિલની વાપસી, વિજય હઝારે ટ્રોફીમાં રમશે 2 મેચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Shubman Gill: ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ માટે 3 જાન્યુઆરીએ ભારતીય ટીમની જાહેરાત થવાની છે. આ સીરિઝ સાથે જ ટીમના નવા સુકાની શુભમન ગિલની મેદાન પર વાપસી થશે. ગિલ ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરિઝ રમી શક્યો ન હતો. જોકે, ટી20 સીરિઝમાં તે પાછો ફર્યો હતો પણ ફરીથી ઈજા થતા છેલ્લી બે મેચોમાંથી બહાર થઈ ગયો હતો. હવે તે પૂરી રીતે ફિટ થઈને આ સીરિઝમાં કમબેક કરશે. પરંતુ, આ વનડે સીરિઝ પહેલા શુભમન ગિલ વિજય હઝારે ટ્રોફીમાં એક્શનમાં જોવા મળશે અને સતત બે મેચ રમતો નજર આવશે.
ન્યૂઝીલેન્ડ સીરિઝ પહેલા ગિલ રમશે બે મહત્ત્વની મેચ
રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓની જેમ શુભમન ગિલ પણ વિજય હઝારે ટ્રોફીમાં પોતાની ડોમેસ્ટિક ટીમ પંજાબ તરફથી મેદાનમાં ઉતરશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીથી 3 મેચની વનડે સીરિઝ શરૂ થવાની છે. આ સીરિઝ પહેલા જ ગિલ પંજાબ તરફથી 50 ઓવરની આ ટૂર્નામેન્ટમાં 2 મેચ રમશે. પંજાબની ટીમે ગ્રુપ સ્ટેજની પોતાની આગામી ત્રણ મેચ 3, 6 અને 8 જાન્યુઆરીએ રમવાની છે, જેમાંથી ગિલ શરૂઆતની બે મેચમાં રમતો જોવા મળશે.
પગની ઈજામાંથી સાજા થયા બાદ શુભમન ગિલ હાલ પંજાબની ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. તે જયપુરમાં રમાનારી વિજય હઝારે ટ્રોફીમાં 3 જાન્યુઆરીએ સિક્કિમ અને 6 જાન્યુઆરીએ ગોવા સામે રમીને વાપસી કરશે. જોકે, 7 જાન્યુઆરીથી વનડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાના કેમ્પમાં જોડાવાનું હોવાથી તે ત્રીજી મેચ રમી શકશે નહીં.
અર્શદીપ સિંહ પણ પંજાબની ટીમમાં જોડાશે
શુભમન ગિલની સાથે ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પણ આ બે મેચોમાં પંજાબ તરફથી મેદાનમાં ઉતરે તેવી પૂરી શક્યતા છે. અર્શદીપ ન્યૂઝીલેન્ડ સામેની વનડે અને ટી20 સીરિઝ તેમજ ટી20 વર્લ્ડ કપ 2026ના પ્લાનિંગનો પણ મહત્ત્વનો હિસ્સો છે. જોકે, સિલેક્ટર્સ તેને વનડે સિરીઝમાં આરામ આપે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.








