વન-ડે કેપ્ટન બનતાં શુભમન ગિલની પ્રથમ પ્રતિક્રિયા, વર્લ્ડ કપ જીતવાનો પ્લાન પણ જણાવ્યો

Image: IANS |
Shubhman Gill News: ટેસ્ટ બાદ શુભમન ગિલને ODI ટીમનો પણ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા ચાલુ મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જ્યાં ગિલ ODI કેપ્ટન તરીકે ડેબ્યૂ કરશે. રોહિત શર્માને કેપ્ટનશિપમાંથી હટાવવાનું મુખ્ય કારણ 2027નો ODI વર્લ્ડ કપ છે. હિટમેન 38 વર્ષનો છે અને પસંદગીકારોમાં તેના ફોર્મ અને ફિટનેસને લઇને વિશ્વાસનો અભાવ દેખાઈ રહ્યો છે. એટલા માટે નવા કેપ્ટનને વર્લ્ડ કપ માટે પૂરતો સમય આપવાની બીસીસીઆઈની યોજના છે. જેને ધ્યાનમાં રાખી ગિલને અચાનક આ જવાબદારી સોંપવામાં આવી છે.
શુભમન ગિલનું શું છે લક્ષ્ય?
હવે ODI કેપ્ટન બન્યા પછી શુભમન ગિલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. આ દરમિયાન, તેણે દક્ષિણ આફ્રિકામાં 2027નો વર્લ્ડ કપ જીતવા માટેનો રોડમેપ પણ રજૂ કર્યો હતો. કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલે કહ્યું કે ODI માં ભારતનું નેતૃત્વ કરવું એ એક મોટું સન્માન છે અને અમારું અંતિમ લક્ષ્ય દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડ કપ જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર રહેવું છે.
જુઓ શું કહ્યું નવા વન ડે કેપ્ટને?
શુભમન ગિલે કહ્યું, "ODI ક્રિકેટમાં દેશનું નેતૃત્વ કરવું અને સારું પ્રદર્શન કરનારી ટીમનું નેતૃત્વ કરવું એ મારા માટે સૌથી મોટું સન્માન છે... તે મારા માટે ખૂબ ગર્વની વાત છે અને મને આશા છે કે હું સારું પ્રદર્શન કરીશ. મને લાગે છે કે વર્લ્ડ કપ પહેલા અમારી પાસે લગભગ 20 ODI છે અને તે અમારું અંતિમ લક્ષ્ય છે. તેથી અમે જે પણ રમીશું અને જે ખેલાડીઓ સાથે રમીશું, તેઓ પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરશે અને આશા છે કે આપણે દક્ષિણ આફ્રિકા જતા પહેલા અને વર્લ્ડ કપ જીતતા પહેલા સંપૂર્ણપણે તૈયાર રહીશું."
રોહિતને કેપ્ટન પદેથી હટાવાયો
રોહિત શર્માએ ભારત માટે 2024 માં T20 વર્લ્ડ કપ અને 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં નેતૃત્વ કર્યું હતું છતાં તેની પાસેથી ODI કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે. અગરકરે આ મામલે કહ્યું હતું કે ગિલને પૂરતો સમય આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગરકરે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, "હમણાં હોય કે છ મહિના પછી, મને લાગે છે કે આપણે નિર્ણયો લેવાનું શરૂ કરવું પડશે. જેમ કે મેં કહ્યું હતું, ODI ક્રિકેટમાં અત્યારે તે મુશ્કેલ છે કારણ કે જો તમે કોઈ નિર્ણય લો છો, તો તમે તેને પહેલાથી જ કરવાનો પ્રયાસ કરો છો અને બીજા ખેલાડીને બીજા ફોર્મેટમાં કેપ્ટનશિપ કરવાનો વિશ્વાસ મેળવવા માટે પૂરતો સમય આપો છો, તેથી આ વિચારને અપનાવાયો હતો."