શુભમન ગિલે ટેસ્ટમાં 10મી સદી ફટકારી ઇતિહાસ સર્જ્યો, કોહલી-શર્માના રૅકોર્ડ તોડ્યા

Shubman Gill record: વેસ્ટ ઇન્ડિઝ સામે ચાલી રહેલી દિલ્હી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયાના કૅપ્ટન શુભમન ગિલે સદી ફટકારી રૅકોર્ડ સર્જ્યો છે. ગિલ ટેસ્ટમાં કૅપ્ટન તરીકે 12 ઈનિંગ્સમાં સૌથી વધુ 50થી વધુ સ્કોર બનાવનારો ત્રીજો ભારતીય કૅપ્ટન બન્યો છે. ગિલની આ સદી સાથે વિરાટ કોહલીનો રૅકોર્ડ તૂટ્યો છે. કોહલીએ કૅપ્ટન તરીકે 12 ઇનિંગ્સમાં કુલ પાંચ વખત 50થી વધુ રન બનાવ્યા હતા. જ્યારે ગિલે છ વખત કૅપ્ટન તરીકે 50થી વધુ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.
ભારતના પ્રથમ દાવમાં 130મી ઓવરના પાંચમા બોલ પર ગિલે ત્રણ રન ફટકારી પોતાની 10મી ટેસ્ટ સદી પૂર્ણ કરી હતી. શુભમને 13 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 176 બોલમાં પોતાની આ સદી ફટકારી હતી. આ સાથે કૅપ્ટન તરીકે 12 ઇનિંગ્સમાં 50થી વધુ રન ફટકારનારો ત્રીજો ભારતીય ખેલાડી પણ બન્યો છે.
12 ઇનિંગ્સમાં 50થી વધુ સ્કોર કરનારા ભારતીય ટેસ્ટ કૅપ્ટન
WTCમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી
ગિલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત તરફથી સૌથી વધુ રન ફટકારનારો બેટર પણ છે. તેણે સૌથી વધુ 10 સદી ફટકારી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં શુભમન ગિલ 10 સદી સાથે ટોચનો ભારતીય ખેલાડી છે. રોહિત શર્મા નવ સદી સાથે બીજા ક્રમે, તો યશસ્વી જયસ્વાલ 7 સદી સાથે ત્રીજા ક્રમે છે. તદુપરાંત ગિલ કૅપ્ટન તરીકે આ વર્ષે પાંચ ટેસ્ટમાં સદી ફટકારવામાં પણ સફળ રહ્યો છે. ગિલે એક વર્ષમાં કૅપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ સદી કરવામાં વિરાટ કોહલીની બરાબરી કરી છે. વિરાટ કોહલીએ 2018માં ટેસ્ટ મેચમાં પાંચ સદી ફટકારી હતી. 2017માં પણ કોહલીએ પાંચ, 2016માં ચાર સદી ફટકારી ટીમ ઇન્ડિયાનો એક વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારો ખેલાડી રહ્યો હતો.
બ્રેડમેનનો રૅકોર્ડ પણ તોડ્યો
ગિલે કૅપ્ટન તરીકે સૌથી ઝડપી પાંચ ટેસ્ટ સદી ફટકારી ડોન બ્રેડમેનનો રૅકોર્ડ પણ તોડ્યો છે. ડોન બ્રેડમેન કૅપ્ટન તરીકે સૌથી ઝડપી પાંચ ટેસ્ટ સદી 13 ઇનિંગમાં ફટકારી હતી. જ્યારે શુભમને 12 ઇનિંગ્સમાં જ પાંચથી વધુ ટેસ્ટ સદી ફટકારી છે. વૈશ્વિક સ્તરની આ યાદીમાં પણ ગિલ ત્રીજો કૅપ્ટન બન્યો છે. એલેસ્ટેયર કુકે નવ ઇનિંગમાં પાંચ સદી, સુનીલ ગાવસ્કરે 10 ઇનિંગમાં અને શુભમન ગિલે 12 ઇનિંગમાં પાંચ સદી ફટકારી છે. ડોન બ્રેડમેન 13 ઇનિંગ અને સ્ટીવ સ્મિથે 14 ઇનિંગમાં કૅપ્ટન તરીકે પાંચ સદી બનાવી હતી.