'તે મને કેમ ના કહ્યું...', સિરાજ સાથે 5મી ટેસ્ટના છેલ્લા દિવસે થયેલી ચણભણ અંગે ગિલે ફોડ પાડ્યો
IND VS ENG: ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમે છેલ્લી ટેસ્ટ મેચ જીતીને સીરિઝને ડ્રો કરી હતી, પણ જો વાત કરીએ છેલ્લી ટેસ્ટ મેચની તો, આ મેચની બીજી ઇનિંગમાં જીત માટે ઈંગ્લેન્ડની ટીમનું પલડું ભારે હતું. પરંતુ ચોથા દિવસે મોહમ્મદ સિરાજ અને પ્રસિધ કૃષ્ણાની સારી બોલિંગે રમતની બાજી પલટી હતી. હેરી બ્રૂક અને જો રુટ આઉટ થયા પછી વરસાદ અને ખરાબ વાતાવરણના કારણે મેચને રોકવામાં ન આવી હોત તો છેલ્લી ટેસ્ટ મેચ ભારતે ચોથા દિવસે જ જીતી લીધી હોત. પરંતુ મેચના પાંચમાં દિવસે જ્યારે ભારત 4 વિકેટ દૂર અને અને ઈંગ્લેન્ડને 374 રનનો ટાર્ગેટ હાંસલ કરવા માત્ર 35 રન બનાવવાના હતા, ત્યારે શરૂઆતમાં જ ઈંગ્લેન્ડના બેટરે બે ફોર ફટકારી હતી અને મેચ ફરી ઈંગ્લેન્ડ તરફી બની હતી. એક સમય એવો પણ આવ્યો જ્યારે વ્યૂહરચના મુજબ ફિલ્ડિંગ બરાબર થઈ નહીં અને સિરાજ પણ ચિંતિત થઈ ગયો હતો અને કેપ્ટન શુભમન ગિલને સવાલ કર્યો હતો.
પાંચમા દિવસે જેમી સ્મિથ ઇંગ્લેન્ડ માટે કારગર સાબિત થઈ રહ્યો હતો. તેણે બે ફોર ફટકાર્યા પછી ભારતની જીત મુશ્કેલ હતી. જો કે ચોથા દિવસે ભારતે તેણે એક રન લેવા પણ મજબૂર કર્યો હતો. સિરાજે જ્યારે સ્મિથને આઉટ કર્યો, ત્યારે ભારતીય ટીમ ફરી જોશમાં આવી. ઇંગ્લેન્ડનો સ્કોર 347 રન પર 7 વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ સ્કોરબોર્ડમાં ઇંગ્લેન્ડના વધુ 7 રન જોડાયા ત્યારે સિરાજે જેમી ઓવર્ટનને પણ આઉટ કર્યો. ત્યારબાદ પ્રસિધ કૃષ્ણાએ જોશ ટંગને આઉટ કર્યો. ઈંગ્લેન્ડને હવે જીત માટે 17 રનની જરૂર હતી અને મેદાનમાં ઇજાગ્રસ્ત ક્રિસ વોક્સ પણ એક હાથે બેટિંગ કરવા ઉતર્યો હતો. પરંતુ ગસ એટકિન્સને એકલા મોરચો સંભાળી લીધો અને વોક્સને સ્ટ્રાઇક ન મળે તે રીતે બેટિંગ કરી હતી. શરૂઆતમાં તો એટકિન્સને સિક્સ ફટકારી અને ત્યારબાદ એક એક રન લેવાની કોશિશ કરી રહ્યો હતો.
ઇનિંગની 84માં ઓવરમાં સિરાજે ગિલ સાથે વાત કરી નવી રણનીતિ તૈયાર કરી હતી. નક્કી થયું હતું કે સિરાજ એટકિન્સને વાઈડ યોર્કર બોલ ફેંકશે જેથી એટકિન્સ સિક્સ કે ફોર ન ફટકારી શકે. સાથે વિકેટકીપર ધ્રુવ જૂરેલને પણ કહેવામાં આવ્યું હતું કે તે હેન્ડ ગ્લોઝ ઉતારીને તૈયાર રહે કારણકે ઓવરના છેલ્લા બોલ પર વૉકસને સ્ટ્રાઈક ન મળે તે માટે એટકિન્સ સિંગલ રન લેવાની કોશિશ કરશે. એટકિન્સ છેલ્લો બોલ રમી શક્યો નહીં અને તે ક્રિસ વૉકસને સ્ટ્રાઈક ન મળે તે રીતે રન લેવામાં સફળ રહ્યો. કારણ કે ધ્રુવ જુરેલનો થ્રો સ્ટમ્પ પર લાગી શક્યો નહીં. તે જોઈને સિરાજ નારાજ થયો અને તે મેદાન પર શુભમન ગિલને કંઈક કહેતા નજર આવ્યો.
હવે કેપ્ટન ગિલે આ વાતનો ખુલાસો કર્યો. તેણે કહ્યું, 'સિરાજને મને કહ્યું હતું કે ધ્રુવ જુરેલને કહો કે રન આઉટ કરવા ગ્લોઝ ઉતારી દે, જ્યારે હું આ વાત ધ્રુવને કહેવા ગયો તેની પહેલા જ સિરાજ બોલ ફેંકવા દોડી ગયો અને મને સમય જ ન મળ્યો. ઈંગ્લેન્ડની ટીમે એક રન લઈ લીધો, ત્યારે સિરાજે મને કહ્યું કે, તે ધ્રુવ જુરેલને ગ્લોઝ ઉતારવા કીધું કેમ નહીં? ', જોકે 86ની ઓવરમાં સિરાજે એટકિન્સને બોલ્ડ આઉટ કરી 6 રનથી રોમાંચક જીત અપાવી હતી.