શુભમન ગિલે સૌથી વધુ 'ICC પ્લેયર ઓફ ધી મંથ' એવોર્ડ જીતી બુમરાહનો રેકોર્ડ તોડ્યો
ICC Player of the Month Shubman Gill: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર અને ODIના વાઇસ કેપ્ટન શુભમન ગિલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમજ ટીમ ઇન્ડીયા પણ ચેમ્પિયન બની. હવે ભારતીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલને બુધવારે ફેબ્રુઆરી મહિના માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
જસપ્રીત બુમરાહને આ મામલે પાછળ છોડ્યો
અત્યાર સુધી જસપ્રીત બુમરાહ સૌથી વધુ વખત ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતનાર ભારતીય ક્રિકેટર હતો. જસપ્રીત બુમરાહે બે વખત ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. પરંતુ હવે શુભમન ગિલે જસપ્રિત બુમરાહને પાછળ છોડી દીધો છે. જો કે ગિલ માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથનું આ ત્રીજું ટાઈટલ છે. આ પહેલા તેણે 2023માં જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં બે વખત આ એવોર્ડ જીત્યો હતો.
શુભમન ગિલે સ્ટીવ સ્મિથ અને ગ્લેન ફિલિપ્સને પણ પાછળ છોડ્યા
ગયા મહિને શુભમન ગિલે ODI ફોર્મેટમાં 406 રન બનાવ્યા છે. શુભમન ગિલ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને ફેબ્રુઆરી માટે ICC પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા, પરંતુ શુભમન ગિલે એવોર્ડ જીત્યો હતો. તાજેતરમાં જ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયાની જીતમાં શુભમન ગિલનું મહત્ત્વનું યોગદાન માનવામાં આવે છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયનની જેમ બેટિંગ કરી
ગિલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું હતું. તેણે બાંગ્લાદેશ સામે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં 101 રનની અણનમ ઇનિંગ રમીને ભારતને જીત તરફ દોરી હતી. આ પછી તેણે પાકિસ્તાન સામે 46 રનની જોરદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ્સના કારણે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની શરૂઆતની બંને મેચ જીતી હતી.