India T20I Captain Shreyas Iyer : ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં શ્રેયસ અય્યર ભારતીય ટીમનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ સાથે જ અક્ષર પટેલના સ્થાને વાઈસ કેપ્ટનની જવાબદારી તિલક વર્માને સોંપવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર, સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલને કેપ્ટન્સીના પદ પરથી મુક્ત કરવામાં આવશે. આ અંગે નિર્ણય લેવા માટે BCCIની એપ્સ કાઉન્સિલ આજે ઓનલાઈન બેઠક યોજશે, જેમાં નવા કેપ્ટન અને વાઈસ કેપ્ટનના નામની સત્તાવાર જાહેરાત કરાશે.
ગંભીર સેમસનને કેપ્ટન બનાવવા માંગતા હતા
ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સંજુ સેમસનને સૂર્યકુમાર યાદવના ઉત્તરાધિકારી તરીકે જોવા માંગતા હતા. જોકે, BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને પસંદગી સમિતિના અન્ય સભ્યો ગંભીરના આ સૂચન સાથે સહમત નહોતા. તેમનું માનવું છે કે, સેમસનનું પ્રદર્શન સતત એકસરખું રહ્યું નથી.
પસંદગીકારોની યાદીમાં સેમસન નથી
સૂત્રોના દાવા મુજબ, સેમસને ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2026 જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમ છતાં મોટાભાગના પસંદગીકારો તેમને લાંબા ગાળાના કેપ્ટન તરીકે યોગ્ય વિકલ્પ નથી માનતા. પસંદગીકારોનું કહેવું છે કે અત્યારે સેમસનને આ મોટી જવાબદારી સોંપવી તે ઉતાવળભર્યું પગલું સાબિત થઈ શકે છે.
શ્રેયસ અય્યરનું શાનદાર કેપ્ટન્સી રેકોર્ડ
શ્રેયસ અય્યરે ઘરેલું ક્રિકેટ અને IPLમાં સતત પોતાની કેપ્ટન્સી સાબિત કરી છે. તેમની આગેવાની હેઠળ KKRએ 2024માં ટ્રોફી જીતી હતી. ત્યારપછી 2025માં તેમણે લાંબા સમય બાદ પંજાબની ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. ચાલુ વર્ષે 2026માં પણ પંજાબનું પ્રદર્શન પ્રથમ હાફમાં સારું રહ્યું હતું, પરંતુ બીજા હાફમાં ટીમ લય ગુમાવી બેઠી હતી.
રજત પાટીદારના નામ પર કોઈ ચર્ચા નહીં
આશ્ચર્યજનક રીતે, IPL 2026માં શાનદાર બેટિંગ કરનાર અને RCBને સતત 2 IPL ટાઈટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રજત પાટીદારને ટીમમાં સામેલ કરવા અંગે કોઈ ચર્ચા થઈ નથી, જે ખૂબ જ નિરાશાજનક બાબત છે.


