Get The App

'કોઈના પડછાયામાં નથી રહેવું...', T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
'કોઈના પડછાયામાં નથી રહેવું...', T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર 1 - image

Shreyas Iyer on Captaincy: ભારતીય ક્રિકેટ ટીમમાં નેતૃત્વના એક નવા અધ્યાયની શરૂઆત થઈ ચૂકી છે. ભારતીય T20 ટીમના નવનિયુક્ત કેપ્ટન શ્રેયસ અય્યરે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તે ટીમનું નેતૃત્વ પોતાની આગવી શૈલીમાં કરવા માગે છે અને કોઈની છાયામાં રહીને કામ કરવા ઇચ્છતો નથી. તેણે ભારપૂર્વક કહ્યું કે કેપ્ટનશિપની આ મોટી જવાબદારી તેના માટે ગૌરવની બાબત છે, પરંતુ તેના માટે તે પોતાના મૂળ વ્યક્તિત્વમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરશે નહીં.

મુંબઈમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમ દરમિયાન શ્રેયસ અય્યરે T20 ટીમની કમાન સંભાળવા અંગે પોતાના વિચારો મુક્તપણે વ્યક્ત કર્યા હતા. તેણે જણાવ્યું કે ભારતીય ટીમનું નેતૃત્વ કરવાની તક મળવી એ તેના માટે સન્માન અને મોટી જવાબદારી બંને સમાન છે.

વ્યક્તિત્વમાં ફેરફાર નહીં કરવાની અય્યરની જાહેરાત

પત્રકારો સાથેની વાતચીતમાં શ્રેયસ અય્યરે કહ્યું કે “મને કેપ્ટનની જવાબદારી મળી છે અને તે મારા માટે એક શાનદાર પડકાર છે. જોકે તેના માટે મને મારા વ્યક્તિત્વમાં કોઈ બદલાવ લાવવાની જરૂર નથી. હું જેવો હતો તેવો જ રહીશ. હું કોઈ અન્ય વ્યક્તિ જેવો બનવાનો નકામો પ્રયાસ નહીં કરું અને કોઈની છાયામાં પણ રહેવા માગતો નથી.”

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં જ્યારે પણ કોઈ નવો કેપ્ટન આવે છે, ત્યારે તેની સરખામણી પૂર્વ કેપ્ટનો જેમ કે રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની સાથે કરવામાં આવતી હોય છે. આવી સ્થિતિમાં અય્યરના આ આક્રમક નિવેદનને ભારતીય ક્રિકેટમાં પોતાની એક સ્વતંત્ર અને આગવી ઓળખ સ્થાપિત કરવાના મજબૂત સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

લાંબા સમય બાદ ટીમમાં વાપસીનો પડકારજનક માર્ગ

શ્રેયસ અય્યર માટે ભારતીય T20 ટીમમાં વાપસી કરવાનો આ માર્ગ બિલકુલ સરળ રહ્યો નહોતો. ડિસેમ્બર 2023માં પોતાની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ તે લાંબા સમય સુધી રાષ્ટ્રીય ટીમની બહાર રહ્યો હતો. ટીમને કારણે તે T20 વર્લ્ડ કપ અને એશિયા કપ જેવી મોટી ટૂર્નામેન્ટોમાં પણ સ્થાન મેળવી શક્યો નહોતો. જોકે તેણે હિંમ્મત હાર્યા વિના ઘરેલુ ક્રિકેટમાં સતત રનનો અંબાર લગાવ્યો અને આઇપીએલમાં ખૂબ જ અસરકારક પ્રદર્શન કરીને મુખ્ય પસંદગીકારો સમક્ષ પોતાની દાવેદારી મજબૂત બનાવી હતી.

IPLમાં કેપ્ટન તરીકે મેળવેલી ભવ્ય સફળતા

એક કેપ્ટન તરીકે અય્યરે આઇપીએલના મંચ પર પોતાની કેપ્ટનશિપનો દબદબો બનાવ્યો છે. તેના જ શાનદાર નેતૃત્વ હેઠળ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ વર્ષ 2024માં આઇપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2025માં પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમને પણ ફાઇનલ સુધી પહોંચાડવામાં તેણે મુખ્ય સુત્રધારની ભૂમિકા ભજવી હતી. મેદાન પર ગમે તેટલું દબાણ હોય, આવી સ્થિતિમાં પણ એકદમ શાંત રહેવાની અને પોતાના ખેલાડીઓ પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવવાની તેની ક્ષમતાને ક્રિકેટ નિષ્ણાતો તેની સૌથી મોટી તાકાત માને છે.

ગૌતમ ગંભીર અને અય્યરની જોડી પર નજર

સૌથી રસપ્રદ વાત એ છે કે શ્રેયસ અય્યર અને ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ફરી એકવાર સાથે મળીને ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે સજ્જ થયા છે. આઇપીએલ 2024 દરમિયાન આ બંનેની જોડીએ કોલકાતા નાઇટ રાઇડર્સને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જોકે તે સમયે ટીમની અદભુત સફળતાનો મોટો શ્રેય મેન્ટર તરીકે ગૌતમ ગંભીરને મળ્યો હતો, જ્યારે કેપ્ટન તરીકે અય્યરની રણનીતિની મીડિયામાં સરખામણીએ ઓછી ચર્ચા થઈ હતી. આથી જ અય્યરનું "કોઈની છાયામાં ન રહેવાનું" આ નિવેદન ઘણું સૂચક માનવામાં આવે છે.

આ પણ વાંચો: 'અમ્પાયર પણ ભારતનો સાથ આપે છે...', પાકિસ્તાની ક્રિકેટરનું વિવાદિત નિવેદન, ICC સામે ઊઠાવ્યા સવાલ

આગામી વર્લ્ડ કપ અને ઓલિમ્પિક્સ 2028 પર લક્ષ્ય

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) હાલમાં આગામી T20 વર્લ્ડ કપ અને લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028ને ધ્યાનમાં રાખીને એક યુવા અને મજબૂત ટીમ તૈયાર કરવાના મિશન પર કામ કરી રહ્યું છે. આવી મહત્ત્વની સ્થિતિમાં શ્રેયસ અય્યરને T20 ટીમની કમાન સોંપવાનો બોર્ડનો આ નિર્ણય દૂરોગામી માનવામાં આવી રહ્યો છે. હવે અય્યરના ખભા પર માત્ર આગામી મેચો જીતવાની જ નહીં, પરંતુ ભવિષ્ય માટે એક નવી, આક્રમક અને સફળ ટીમ ઇન્ડિયા તૈયાર કરવાની પણ મોટી જવાબદારી રહેશે.