વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈનો દબદબો: અય્યર-મુશીર ચમક્યા, ગિલના ફ્લોપ શોથી ચાહકો નિરાશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Vijay Hazare Trophy: ભારતીય વનડે ટીમના વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરે ઈજામાંથી સાજા થયા બાદ મેદાન પર જોરદાર વાપસી કરી છે. શ્રેયસ આજે વિજય હજારે ટ્રોફી 2025-26માં મુંબઈ તરફથી રમવા ઉતર્યો હતો. જયપુરના જયપુરિયા વિદ્યાલય ગ્રાઉન્ડ પર હિમાચલ પ્રદેશ સામેના મુકાબલામાં શ્રેયસે કેપ્ટન જેવી ઇનિંગ રમતા માત્ર 53 બોલમાં 82 રન ફટકાર્યા હતા. આ દરમિયાન શ્રેયસે 10 ફોર અને 3 સિક્સર લગાવ્યા હતા. શ્રેયસ પાસે સેન્ચુરી ફટકારવાની સુવર્ણ તક હતી, પરંતુ કુશલ પાલે તેને આઉર કર્યો હતો.
મુંબઈની નબળી શરૂઆત
મેચમાં મુંબઈની શરૂઆત બહુ ખાસ રહી નહોતી. યશસ્વી જયસ્વાલ (15 રન) અને સરફરાજ ખાન (21 રન) જલ્દી આઉટ થઈ જતાં મુંબઈનો સ્કોર 8 ઓવર પછી 2 વિકેટે 55 રન હતો. અહીંથી શ્રેયસ અય્યરે મુશીર ખાન સાથે મળીને ઇનિંગને સંભાળી હતી. બંને વચ્ચે 54 બોલમાં 82 રનની મહત્ત્વની ભાગીદારી થઈ હતી.
મુશીર ખાને 8 ફોર અને 3 સિક્સરની મદદથી 51 બોલમાં 73 રન બનાવ્યા હતા, પરંતુ તેના આઉટ થયા પછી પણ શ્રેયસે રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. તેણે સૂર્યકુમાર યાદવ (24 રન) સાથે મળીને 39 બોલમાં 65 રન જોડ્યા અને મુંબઈને 299/9ના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. ભારે ધુમ્મસના કારણે આ મેચને 33-33 ઓવરની કરી દેવામાં આવી હતી.
ધુમ્મસના કારણે ઓવરમાં ઘટાડો
શ્રેયસ અય્યરને ન્યૂઝીલેન્ડ સામે 11 જાન્યુઆરીથી શરૂ થનારી ઘરઆંગણે વનડે સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જોકે તેનું રમવું ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર રહેશે. શ્રેયસને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન સિડની વનડેમાં ઈજા થઈ હતી. ત્યારે બાઉન્ડ્રી પાસે કેચ લેતી વખતે તે જોરથી પાંસળીઓના સહારે પટકાયો હતો. જેના કારણે તેને ઇન્ટરનલ બ્લીડીંગ થયું અને પ્લીહા(Spleen)ને નુકસાન પહોંચ્યું હતું. આ ગંભીર ઈજાને કારણે તેને ઘણા દિવસો સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. તે દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલું સીરિઝ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ ભાગ લઈ શક્યો નહોતો.
શુભમન ગિલનું પ્રદર્શન કેવું રહ્યું?
બીજી તરફ ભારતીય વનડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન શુભમન ગિલ પણ ગોવા સામેની મેચમાં પંજાબ તરફથી રમવા ઉતર્યો હતો. શુભમન ફૂડ પોઈઝનિંગના કારણે પાછલી મેચ રમી શક્યો નહોતો. જોકે, શુભમન ગોવા સામે મોટી ઇનિંગ રમી શક્યો નહીં. તેણે બે ફોરની મદદથી 12 બોલમાં 11 રન બનાવ્યા હતા. શુભમનને ફાસ્ટ બોલર વાસુકી કૌશિકે સુયશ પ્રભુદેસાઈના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
આ પણ વાંચો: ભારત વિરુદ્ધ પાકિસ્તાનની રાહ પર બાંગ્લાદેશ: T20 વર્લ્ડકપ પહેલા સુરક્ષા અંગે ડ્રામા
ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ(કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ(વિકેટકીપર), શ્રેયસ અય્યર(વાઈસ કેપ્ટન; ફિટનેસ ક્લિયરન્સને આધીન), વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, રિષભ પંત(વિકેટકીપર), અર્શદીપ સિંહ, નીતીશ કુમાર રેડ્ડી અને યશસ્વી જયસ્વાલ.
ભારત વિ. ન્યૂઝીલેન્ડ શેડ્યૂલ
11 જાન્યુઆરી: પ્રથમ વનડે, વડોદરા
14 જાન્યુઆરી: બીજી વનડે, રાજકોટ
18 જાન્યુઆરી: ત્રીજી વનડે, ઈન્દોર
21 જાન્યુઆરી: પ્રથમ ટી20, નાગપુર
23 જાન્યુઆરી: બીજી ટી20, રાયપુર
25 જાન્યુઆરી: ત્રીજી ટી20, ગુવાહાટી
28 જાન્યુઆરી: ચોથી ટી20, વિશાખાપટ્ટનમ
31 જાન્યુઆરી: પાંચમી ટી20, તિરુવનંતપુરમ.









