Get The App

પૈસા નહોતા તો પિતાએ ઘર વેચીને અપાવી પિસ્તોલ, મનીષ નરવાલે પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ

Updated: Aug 30th, 2024

GS TEAM


Google News
Google News
પૈસા નહોતા તો પિતાએ ઘર વેચીને અપાવી પિસ્તોલ, મનીષ નરવાલે પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ 1 - image

Paris Paralympics 2024, Manish Narwal Wins Silver Medal: પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય શૂટરો શાનદાર પ્રદર્શન સતત કરી ચમકી રહ્યા છે. અવની લેખારા અને મોના અગ્રવાલ બાદ હવે મનીષ નરવાલે મેડલ જીતવામાં સફળતા મેળવી છે. મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં અત્યાર સુધીમાં 4 મેડલ જીતી લીધા છે. આ પહેલા ભારતીય પેરા શૂટર અવની લેખારાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. આ સિવાય પ્રીતિ પાલે 100 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

અગાઉ ટોક્યો પેરાલિમ્પિક્સમાં મનીષે શાનદાર પ્રદર્શન કર્યું હતું.ત્યારે તેણે P4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SH-1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે તેણે પેરિસ પેરાલિમ્પિકમાં કુલ 234.9 પોઈન્ટ મેળવી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાના જો જોંગડુએ 237.4 પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ચીનના શૂટર યાંગ ચાઓ 214.3 અંક મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો: Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિકમાં ભારતની હેટ્રીક, પ્રીતિ પાલે 100 મીટર રેસમાં રચ્યો ઈતિહાસ

મનીષ નરવાલ હરિયાણાના સોનીપતનો રહેવાસી છે. તેના પિતા ઘણા વર્ષો પહેલા ફરીદાબાદમાં સ્થાયી થયા હતા. મનીષને ફૂટબોલ રમવાનું બહુ પસંદ હતું. તેણે ફૂટબોલર બનવાનું સપનું જોયું હતું પરંતુ શારીરિક અક્ષમતાના કારણે ફૂટબોલરને પોતાની કારકિર્દી તરીકે અપનાવવામાં નિષ્ફળ ગયો. આ પછી માતાપિતાના સમર્થનથી અને નજીકના મિત્રના સૂચન પછી શૂટિંગની તાલીમ લેવાનું શરૂ કર્યું. શૂટિંગની મોંઘી રમતને કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ રમત ચાલુ રાખવા માટે તેને આંતરરાષ્ટ્રીય ધોરણની મોરોની પિસ્તોલની જરૂર હતી. પરંતુ ઘરની આર્થિક સ્થિતિ મજબુત ન હતી. તેના પિતા પાસે એક નાનું ઘર હતું. તેમણે તેને 7 લાખ રૂપિયામાં વહેચીને મનીષને પિસ્તોલ અપાવી મળી.

ત્યારબાદ મનીષે ક્યારેય પાછળ વળીને જોયું નથી અને અનેક સ્પર્ધાઓમાં મેડલ જીતવાનું ચાલુ રાખ્યું હતું. મનીષે જકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સ 2018માં તેણે 10 મીટર અને 50 મીટર ઈવેન્ટ્સમાં એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019માં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 

પૈસા નહોતા તો પિતાએ ઘર વેચીને અપાવી પિસ્તોલ, મનીષ નરવાલે પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ 2 - image

Tags :