| (IMAGE - X) |
Shikhar Dhawan Wedding: ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ઓપનર શિખર ધવન ફરી એકવાર લગ્નગ્રંથિથી જોડાઈ ગયો છે. પ્રથમ પત્ની આયશા મુખર્જી સાથે છૂટાછેડા લીધા બાદ ધવને આયર્લેન્ડની સોફી શાઈન સાથે બીજીવાર લગ્ન કર્યા છે. સોફી અને શિખરની મુલાકાત પ્રથમવાર દુબઈમાં થઈ હતી, જે બાદ તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. શનિવાર, 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા આ લગ્ન સમારોહમાં ક્રિકેટ જગતના અનેક દિગ્ગજોએ હાજરી આપી હતી.
ટીમ ઈન્ડિયાના દિગ્ગજોએ આપી હાજરી
40 વર્ષીય શિખર ધવનના લગ્નમાં ભારતીય ટીમના ખેલાડીઓનો જમાવડો જોવા મળ્યો હતો. ધવનના જૂના મિત્ર અને ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પત્ની રિતિકા સજદેહ સાથે ખાસ દિલ્હી પહોંચ્યો હતો. આ ઉપરાંત સુરેશ રૈના, યુઝવેન્દ્ર ચહલ, ઇરફાન પઠાન અને બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. સોશિયલ મીડિયા પર આ સેલિબ્રિટીઝે લગ્નની તસવીરો શેર કરીને ધવનને શુભેચ્છાઓ પાઠવી છે.
વિરાટ કોહલીએ ખાસ અંદાજમાં આપી શુભેચ્છા
વિરાટ કોહલી હાલમાં જ પત્ની અનુષ્કા શર્મા સાથે ભારત આવ્યો છે, જેના વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. જોકે, કોહલી લગ્ન પાર્ટીમાં જોવા મળ્યો નહોતો, પરંતુ તેણે ઈન્સ્ટાગ્રામ પર શિખર ધવનની લગ્નની પોસ્ટ પર કમેન્ટ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કોહલીએ ધવનને વધામણી આપતા લખ્યું, 'મુબારકાં જટ જી', જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યું છે.
આ પણ વાંચો: ક્રિકેટર હાર્દિક પંડ્યાએ એક્સ વાઈફ નતાશા સ્ટેનકોવિક અને દીકરાને આપી ચાર કરોડની ગિફ્ટ
ધવનની શાનદાર ક્રિકેટ સફર
શિખર ધવનની ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો, તેણે વર્ષ 2010માં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું અને 29 જુલાઈ, 2021ના રોજ તેની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમી હતી. પોતાના 11 વર્ષના કરિયરમાં ધવને 34 ટેસ્ટમાં 2315 રન, 167 વનડેમાં 6793 રન અને 68 T20 મેચમાં 1759 રન બનાવ્યા છે. 'ગબ્બર' તરીકે ઓળખાતા આ આક્રમક બેટરની નવી ઇનિંગ માટે ફેન્સ પણ સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે.


