Shikhar Dhawan Engagement: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર શિખર ધવન પોતાના અંગત જીવનમાં એક નવી શરૂઆત કરવા જોઈ રહ્યો છે. છૂટાછેડા થયાના લાંબા સમય બાદ ધવને તેની ગર્લફ્રેન્ડ સોફી શાઈન (Sophie Shine) સાથે સગાઈ કરી લીધી છે. શિખરે સોમવારે(12 જાન્યુઆરી) ઇન્સ્ટાગ્રામ પર સોફી સાથેની એક રોમેન્ટિક તસવીર શેર કરીને આ સત્તાવાર જાહેરાત કરી છે. શેર કરેલી તસવીરમાં સોફીના હાથમાં હીરાની મોટી અને સુંદર રિંગ જોવા મળી રહી છે. આ સાથે એક સુંદર ડેકોરેશન પણ જોવા મળી રહ્યું છે, જેમાં લાલ ગુલાબ અને મિણબત્તીથી સજાવેલું મોટું દિલ છે.
સોશિયલ મીડિયા પર આપી જાણકારી
શિખર ધવને સોફી સાથેનો તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, 'સાથે હસવાથી લઈને સાથે સપના જોવા સુધી. આપણી સગાઈ માટે પ્રેમ, આશીર્વાદ અને દરેક શુભકામનાઓ માટે આભારી છીએ. હવે અમે હંમેશા માટે એકબીજાનો સાથ પસંદ કરીએ છીએ. - શિખર અને સોફી.' આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ અભિનંદન પાઠવી રહ્યા છે. તસવીરમાં શિખર અને સોફી બંને એકસાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
કોણ છે સોફી શાઈન?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોફી શાઈન અને શિખર ધવન છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સોફી ઘણીવાર શિખર સાથે જોવા મળતી હતી, પરંતુ બંનેએ અત્યાર સુધી પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા હતા. સોફી વિશે વધુ વિગતો હજુ સામે આવી નથી, પરંતુ તે આઇરિશ હોવાનું માનવામાં આવે છે.
ક્યારે થશે લગ્ન? ફેન્સ થયા આતુર
સગાઈની જાહેરાત બાદ હવે ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિખર અને સોફી 2026ના મધ્યમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જોકે, હજુ સુધી ધવન પરિવાર તરફથી લગ્નની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.
ત્રણ વર્ષ અગાઉ થયા હતા છૂટાછેડા
ઉલ્લેખનીય છે કે આ શિખર ધવનના બીજા લગ્ન હશે. તેના અગાઉ વર્ષ 2012માં ઓસ્ટ્રેલિયન મહિલા આયેશા મુખર્જી સાથે લગ્ન થયા હતા, પરંતુ લાંબા સમયના વિવાદ બાદ 2023માં તેમના સત્તાવાર રીતે છૂટાછેડા થયા હતા. શિખરને આયેશાથી એક પુત્ર પણ છે, જેનું નામ જોરાવર છે. જે છૂટાછેડા બાદ તેની માતા સાથે ઓસ્ટ્રેલિયામાં જ રહે છે. આયશા કિકબૉક્સર હતી અને દિલ્હીના સાકેત કોર્ટમાં આ કપલના છૂટાછેડા થયા.
![]() |



