Get The App

ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી

Updated: Mar 21st, 2023

GS TEAM

Google News
Google News
ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી 1 - image


નવી દિલ્હી, તા. 21 માર્ચ 2023 મંગળવાર

ભારત-પાકિસ્તાનની વચ્ચે ઘણા સમયથી દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી. ચાહકો ભારત અને પાકિસ્તાનની વચ્ચેની ટેસ્ટ ક્રિકેટને જોવા માટે ઘણા ઉત્સુક છે પરંતુ પરિસ્થિતિ એવી છે કે પાકિસ્તાનની સાથે સારા સંબંધ સ્થપાઈ રહ્યા નથી જેના કારણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ રમાઈ રહી નથી. જોકે આઈસીસી ટુર્નામેન્ટમાં બંને ટીમ વચ્ચે મેચ રમાઈ રહી છે. પરંતુ દ્વિપક્ષીય સિરીઝની મજા જ કંઈક જુદી હોય છે. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદીએ ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય ક્રિકેટને ફરીથી શરૂ કરવા મુદ્દે પોતાનો મત રજૂ કર્યો છે. 

શાહિદ આફ્રીદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય સિરીઝને ફરીથી શરૂ કરવાને લઈને અપીલ કરી છે. આફ્રીદીએ દોહામાં લીજેન્ડ્સ લીગ ક્રિકેટના ફાઈનલ મેચના અવસરે કહ્યુ, હુ મોદી સાહેબને બંને દેશો વચ્ચે ક્રિકેટ યોજવાની વિનંતી કરીશ. 

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદીએ બીસીસીઆઈ મુદ્દે પણ વાત કરી અને કહ્યુ કે બીસીસીઆઈએ ભારત-પાકિસ્તાન મેચને વધુથી વધુ યોજવી જોઈએ. શાહિદ આફ્રીદીએ કહ્યુ, જો આપણે કોઈની સાથે મિત્રતા કરવા ઈચ્છીએ છીએ અને તે આપણી સાથે વાત ના કરે તો તેમાં આપણે શું કરી શકીએ? તેમાં કોઈ શંકા નથી કે BCCI ખૂબ મજબૂત અને મોટુ બોર્ડ છે પરંતુ જ્યારે તમે મજબૂત હોય તો તમારી ઉપર જવાબદારી પણ વધુ હોય છે. તમે દુશ્મન બનાવવાનો પ્રયત્ન ના કરો. તમારે મિત્ર બનાવવાની જરૂર છે. જ્યારે તમે મિત્ર બનાવો છો ત્યારે તમે મજબૂત થાવ છો. 

વર્ષ 2008માં મુંબઈમાં થયેલા હુમલા બાદથી બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સિરીઝને રોકી દેવાઈ હતી. ત્યારથી ભારત અને પાકિસ્તાનની ટીમ આઈસીસી ઈવેન્ટ સિવાય એશિયા કપમાં એક-બીજા વિરુદ્ધ જ મેચ રમે છે.

Tags :