Get The App

સચિનના બેટથી શાહિદે ફટકારી હતી ઐતિહાસિક સદી, ઇન્ટરવ્યુમાં કહ્યું, તેંડુલકર તો 0 પર આઉટ થતો

શાહિદ આફ્રિદીએ વર્ષ 1996માં શ્રીલંકા સામે 37 બોલમાં સદી ફટકારી હતી

Updated: Feb 22nd, 2024

GS TEAM


Google News
Google News
સચિનના બેટથી શાહિદે ફટકારી હતી ઐતિહાસિક સદી, ઇન્ટરવ્યુમાં કહ્યું, તેંડુલકર તો 0 પર આઉટ થતો 1 - image
Image:Social Media

Shahid Afridi Hit Century By Sachin Tendulkar’s Bat : પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ વર્ષ 1996માં શ્રીલંકા સામે 37 બોલમાં સદી ફટકારી હતી. આ તે સમયે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ હતો, જે 18 વર્ષ સુધી કાયમ રહ્યો. આફ્રિદીએ આ ઇનિંગમાં 11 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ ખાસ વાત એ છે કે શાહિદે જે બેટ વડે આ ઝડપી સદી ફટકારી હતી તે બેટ ક્રિકેટના ભગવાન કહેવાતા પૂર્વ ભારતીય બેટર સચિન તેંડુલકરનું હતું. જે બેટથી ODI ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવામાં આવી હતી. તે હવે પાકિસ્તાનમાં 'ઇન્જર્ડ' પડેલો છે. શાહિદ આફ્રિદીનું કહેવું છે કે આ બેટ તેને વકાર યુનિસે આપ્યું હતું. 

આફ્રિદીને વકાર યુનિસે આપ્યું હતું બેટ 

એક ટીવી શોમાં એન્કરે શાહિદ આફ્રિદીને પૂછ્યું કે, “તમે 37 બોલમાં જે સદી ફટકારી હતી તે સચિન તેંડુલકરના બેટથી ફટકારી હતી.” આફ્રિદીએ એન્કરના સવાલનો જવાબ આપતા કહ્યું, “હા, બિલકુલ.” આના પર એન્કરે ફરી પૂછ્યું, “શું તમે તે બેટનો ફરી ક્યારેય ઉપયોગ કર્યો નથી. ત્યારે આફ્રિદીએ કહ્યું, “ના, તેને હજુ પણ રાખવામાં આવ્યો છે કારણ કે તે ખરાબ રીતે ઇન્જર્ડ છે. હવે તેના આરામના દિવસો છે. તે (બેટ) ઘણું રમ્યો. તે બેટ પણ મને વિકી ભાઈ (વકાર યુનિસ) એ મેચના એક દિવસ પહેલા આપ્યું હતું. વોર્મ-અપ પહેલા વકારે મને કહ્યું, 'પઠાણ! આ લે આજે આ બેટથી રમ.''

આફ્રિદી સચિનના વખાણ પચાવી ન શક્યો

એન્કરે વાતચીત દરમિયાન સચિન તેંડુલકરનો આભાર માનતા કહ્યું, “સૌ પ્રથમ અમે સચિન તેંડુલકરનો આભાર માનીએ છીએ કે તેણે અમને તે બેટ આપ્યું. તમે ભવિષ્યમાં પણ અમારા બાળકોને બેટ આપતા રહેજો…” આફ્રિદી સચિનના વખાણ પચાવી ન શક્યો અને એન્કરને અટકાવીને કહ્યું કે, “હા, મને ખબર પડી છે કે જ્યારે સચિન તે બેટથી રમતો હતો ત્યારે તે શૂન્ય પર પણ આઉટ થઈ ગયો હતો. આફ્રિદીના આ નિવેદન પર એન્કર અને દર્શકો હસી પડ્યા હતા.

સચિન અને વકારે એક જ દિવસે કરી ક્રિકેટિંગ કરિયરની શરૂઆત

જણાવી દઈએ કે સચિન તેંડુલકર અને વકાર યુનિસે એક જ દિવસે એક જ મેચમાં પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિનને ​​આઉટ કરનાર વકાર સૌ પ્રથમ બોલર હતો. ખેલદિલી અને ભાઈચારાને કારણે સચિને પોતાનું બેટ વકાર યુનિસને ભેટમાં આપ્યું હતું. આફ્રિદી કદાચ આ સન્માનને સમજી શક્યો નહીં. એટલા માટે તે કહે છે કે બેટ ઇન્જર્ડ છે કે જે બેટથી તેને બેટરની ઓળખ મળી છે, તે બેટને આફ્રિદી શૂન્ય પર આઉટ થતા સચિનના નામથી યાદ રાખવા માંગે છે.

સચિનના બેટથી શાહિદે ફટકારી હતી ઐતિહાસિક સદી, ઇન્ટરવ્યુમાં કહ્યું, તેંડુલકર તો 0 પર આઉટ થતો 2 - image

Tags :