પાકિસ્તાની ફાસ્ટ બોલર આફ્રિદીએ ભારતને આપી ચેલેન્જ, કહ્યું- ફાઇનલમાં જોઈ લઈશું...
Shaheen Afridi React on Suryakumar Yadav: એશિયા કપ 2025માં પાકિસ્તાને શ્રીલંકા સામે જીત મેળવી લીધા બાદ ભારત અને પાકિસ્તાન સામે ફાઇનલ મેચ થવાની અટકળો વધુ થઈ રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ સૂર્યકુમાર યાદવના એક નિવેદન પછી જવાબ આપ્યો હતો. જણાવી દઈએ કે સુપર-4માં પાકિસ્તાન સામે ભારતની જીત બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ભારત-પાક મેચ અંગે વાત કરી હતી. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે આડકતરી રીતે કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે કોઈ સ્પર્ધા છે જ નહીં. ભારતનો જીતનો રૅકોર્ડ પાકિસ્તાન કરતાં ઘણો સારો છે.
શું કહ્યું શાહીન આફ્રિદીએ ?
સુપર-4માં ગુરુવારે બાંગ્લાદેશ સામે પાકિસ્તાનની છેલ્લી મેચ રમાશે. આ મેચ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં આફ્રિદીએ સૂર્યકુમારના નિવેદન મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે, 'તેમને બોલવા દો. જો કદાચ અમે ફાઇનલમાં પહોંચીશું, તો રવિવારની મેચમાં જોઈ લઈશું. અમે અહીં એશિયા કપ જીતવા આવ્યા છીએ. અમે પૂરી મહેનત કરીશું'.
આફ્રિદીએ આગળ કહ્યું કે , 'હજી ભારત ફાઇનલમાં પહોંચ્યું નથી કે નથી અમે ફાઇનલમાં પહોંચ્યા. જો ફાઇનલમાં અમારી મેચ થશે ત્યારે અમે જોઈ લઈશું'.
શું કહ્યું હતું સૂર્યકુમાર યાદવે ?
સૂર્યકુમાર યાદવે પત્રકારોને સંબોધતાં કહ્યું કે, 'મને લાગે છે કે તમારે ભારત-પાકિસ્તાન વચ્ચેની હરીફાઈ સામે પ્રશ્નો ઉઠાવવાનું બંધ કરવું જોઈએ. હરીફાઈ કેવી હોય? હાલમાં ભારત-પાકની વચ્ચે T-20માં 15 રમાઈ અને તેમાં 12 મેચ ભારતે અને માંડ 3 પાકિસ્તાને જીતી. હાલમાં પણ બે વાર પાકિસ્તાની ટીમ હારી છે. તો એમાં હરીફાઈ ક્યાંથી આવી! અમારી વચ્ચે કોઈ સ્પર્ધા જેવું છે જ નહીં.'