Get The App

પાકિસ્તાન સુપર લીગ 2026 વિવાદ: શાહીન આફ્રિદી અને સિકંદર રઝા વિઝિટર્સને જબરદસ્તી રૂમમાં લઈ ગયા...

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાન સુપર લીગ 2026 વિવાદ: શાહીન આફ્રિદી અને સિકંદર રઝા વિઝિટર્સને જબરદસ્તી રૂમમાં લઈ ગયા... 1 - image

PSL Controversy : પાકિસ્તાન સુપર લીગ 2026 (PSL) ફરી એક વાર વિવાદમાં આવી છે. આ વખતે લાહૌર કલંદર્સની ટીમ ચર્ચાનો વિષય બની છે. આ ટીમના કેપ્ટન શાહીન શાહ આફ્રિદી અને ઓલરાઉન્ડર સિકંદર રઝા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. પાકિસ્તાની પંજાબ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે બન્ને ખેલાડીઓ દ્વારા સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેઓ જે હોટલમાં રોકાયા હતા એ જ રૂમમાં ચાર લોકોને જબરદસ્તીથી લઈ જવામાં આવ્યા હતા.

સુરક્ષા ભંગની ઘટના કેવી રીતે સામે આવી

રિપોર્ટ મુજબ આ તમામ માહિતી ત્યારે સામે આવી જ્યારે હોટલમાં રોકાયેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષા ડામાડોળ થઈ ગઈ હતી. પોલીસ તરફથી સલમાન નસીરને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ મુલાકાતીઓને હોટલમાં જવાની પરવાનગી આપવામાં આવી નહોતી. આ સાથે જ ટીમના લાયઝન ઓફિસરની વિનંતીને પણ બે વાર ફગાવી દેવામાં આવી હતી. આમ છતાં ડ્યૂટી પર હાજર સુરક્ષા કર્મચારીઓના વિરોધ છતાં શાહીન અને સિકંદર રઝાએ આ મહેમાનોને જબરદસ્તી રૂમમાં લઈ ગયા હતા અને ત્રણ કલાક સુધી સાથે સમય પસાર કર્યો હતો.

પોલીસ અને સુરક્ષા એજન્સીનું નિવેદન

આ ઘટનાને સુરક્ષા એજન્સી દ્વારા ‘પ્રોટોકોલનું ઉલ્લંઘન’ કરવામાં આવ્યું હોવાનું કહ્યું છે. આ સાથે જ પંજાબ પોલીસ દ્વારા પાકિસ્તાન સુપર લીગના આયોજકોને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે જરૂરી સખત પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે. જોકે અત્યાર સુધીમાં લાહૌર કલંદર્સની ટીમ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જોકે મેચ પૂરી થયા બાદ સિકંદર રઝાએ કહ્યું કે તેઓ પરિવાર અને ખૂબ જ નજીકના મિત્રો હતા. સિકંદર રઝાએ કહ્યું કે ‘શાહીન ફક્ત મારી મદદ કરી રહ્યો હતો. આ માટેની તમામ જવાબદારી હું લઉં છું. રૂમમાં જે ચાર લોકો આવ્યા હતા તેમને હું ઘણાં લાંબા સમયથી ઓળખું છું.’

PCBની સખત કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થા

આ વિવાદ શરૂ થાય તે પહેલાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ખૂબ જ સખત રીતે કામ કરી રહ્યું છે. તેમણે આ લીગની શરૂઆતની કેટલીક મેચ બંધ દરવાજા પાછળ રમાડી હતી. આ માટેનું કારણ વીજળીનો બચાવ અને વેસ્ટ એશિયામાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને જવાબદાર ગણાવવામાં આવી હતી. આ માટે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખેલાડીઓની હોટલ અને મેદાનની બહાર ખૂબ જ મોટી પોલીસ સુરક્ષા જોવા મળી રહી છે.

આગળ શું પગલાં લેવાશે?

થોડા સમય પહેલાં જ પાકિસ્તાની ખેલાડી નસીમ શાહને પણ નિયમો તોડવા બદલ નોટિસ ફટકારવામાં આવી હતી. એનાથી એક વાત ચોક્કસ હતી કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ વખતે કોઈ પણ ઢીલ ખેલાડીઓને આપવા નથી માગતું. જોકે હવે શાહીન અને સિકંદર રઝાના આ કારનામાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કેવી રીતે સંભાળે અને તેના કારણે હવે કયા નિયમો બનાવે અથવા શું પગલાં ભરે તે હવે જોવું રહ્યું. આ અન્ય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે પણ ખૂબ જ જોખમી છે અને તેથી કોઈ કાર્યવાહી કરવામાં આવે કે કેમ તે એક સવાલ છે.