સપના સાચા નથી થતા... 75 બોલમાં 157 રન ફટકાર્યા બાદ ભારતીય ખેલાડીનું દર્દ છલકાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sarfaraz Khan: ભારતીય ક્રિકેટમાં તાજેતરના ફેરફારોએ ઘણા ખેલાડીઓના કરિયરને પાટા પરથી ઉતારી દીધું છે. શાનદાર પ્રદર્શન કરવા છતાં કેટલાક ખેલાડીઓ ટીમની બહાર છે, જ્યારે કેટલાક લાંબા સમયથી તકની રાહ જોઈ રહ્યા છે. સરફરાઝ ખાન તેમાંથી જ એક છે. સરફરાઝને ઓસ્ટ્રેલિયા પ્રવાસ (2024-25) માટે પસંદ તો કરવામાં આવ્યો હતો, પરંતુ તેને એક પણ મેચમાં મેદાનમાં ઉતારવામાં નહોતો આવ્યો. તેણે તે પહેલા ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણેની સીરિઝમાં સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં મળેલી હાર બાદ સરફરાઝને અચાનક ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદથી તે વાપસી નથી કરી શક્યો.
157 રનની ઈનિંગથી તરખાટ મચાવ્યો
સરફરાઝ સતત રન બનાવી રહ્યો છે પરંતુ સિલેક્ટર્સ તેની તરફ જોઈ પણ નથી રહ્યા. બુધવારે તેણે વિજય હઝારે ટ્રોફીમાં ગોવા સામે 75 બોલમાં ધમાકેદાર 157 રન બનાવીને મુંબઈને 87 રનથી જીત અપાવી. આ સતત ચોથી જીત હતી જણે મુંબઈને વિજય હઝારે ટ્રોફી એલીટ ગ્રુપ સી ટેબલમાં ટોપ પર રાખ્યું અને ગોવાની ત્રણ જીતનો સિલસિલો ખતમ કરી દીધો.
યશસ્વી ફેલ, સરફરાઝે લૂંટી મહેફિલ
બધાની નજર યશસ્વી જયસ્વાલ પર હતી પરંતુ સરફરાઝે બપોરનો શો લૂંટી લીધો. તેની આ ધમાકેદાર હિટિંગના દમ પર મુંબઈએ 444/8 નો વિશાળ સ્કોર બનાવ્યો. એક એવો ટોટલ જેણે ઈન્ટરવલ સુધીમાં જ મેચનું પરિણામ નક્કી કરી દીધુ હતું. ગોવાએ જોરદાર ટક્કર આપી અને 350 રનનો આંકડો પાર કર્યો, પરંતુ અભિનવ તેજરાનાના 100 રન છતાં લક્ષ્ય હંમેશા ખૂબ દૂર હતું. મેચમાં ચોથા નંબર પર બેટિંગ કરતા સરફરાઝે નવ ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા હતા. તેણે માત્ર 56 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેના ભાઈ મુશીર ખાને 66 બોલમાં 60 રન બનાવ્યા હતા.
શું છે સરફરાઝની તાકાત?
સરફરાઝે મેચ બાદ જણાવ્યું કે, 'જ્યારે હું મેદાન પર ઉતર્યો ત્યારે રન રેટ ખૂબ વધારે નહોતો, કારણ કે, કારણ કે બંને ઓપનરોએ પહેલા કલાકમાં મુશ્કેલ સમય પસાર કરી નાખ્યો હતો. સવારમાં હંમેશા મુશ્કેલીઓ આવે છે કારણ કે બોલ ફરે છે. મેં પહેલા મારી જાતને સેટ કર્યો અને પછી જેમ-જેમ પિચ સરળ થતી ગઈ, મેં એટેક કર્યો. બને એટલા વધુ રન બનાવવાનો અને એક મજબૂત ટાર્ગેટ સેટ કરવાનો પ્લાન હતો. હું ક્રિઝ પર આવ્યો ત્યાં સુધીમાં મુશીર ખૂબ સારી બેટિંગ કરી રહ્યો હતો. તે ફિફ્ટી સુધી પહોંચનાર પ્રથમ ખેલાડી હતો. મેં ઘણી વનડે રમી છે અને મને ખબર છે કે ઈનિંગ્સ કેવી રીતે આગળ વધારવી. મારી પાસે સારી સ્વીપ અને કટ શોટ છે અને આ ફોર્મેટમાં પાંચથી વધુ ફિલ્ડરો બહાર ન હોય શકે. તેનાથી મને મારા શોટ રમવાની સ્વતંત્રતા મળે છે.'
આ પણ વાંચો: 14 છગ્ગા, 56 બોલમાં સદી... સરફરાઝ ખાનનું દમદાર પરફોર્મન્સ, ભાઈ મુશીરે પણ બતાવ્યો પાવર
સરફરાઝનું દર્દ છલકાયું
શાનદાર ઈનિંગ છતાં સરફરાઝે સ્વીકાર્યું કે, મને એક વાતનો અફસોસ છે. તેણે પોતાના ભાઈ મુશીર ખાનને લઈને કહ્યું કે, 'અમારું એક કોમન સપનું છે કે, અમે બંને એક જ મેચમાં સદી ફટકારીએ. અમે આ સીઝનમાં રણજી ટ્રોફીમાં અને ગત અઠવાડિયે પણ તેની ખૂબ નજીક હતા, પરંતુ અમે બંને 50 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. આજે મુશીર ખૂબ સારી બેટિંગ કરી રહ્યો હતો અને મને લાગ્યું કે, અમે અમારું સપનું પુરુ કરી શકીશું, પરંતુ સપના એટલા ઝડપથી સાચા નથી થતા.'








