'સંજુ ભાંગી પડ્યો હતો, IPLની વચ્ચે ટીમ છોડવા...' RRના માલિકે સંભળાવ્યો આખો કિસ્સો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sanju Samson News : IPL 2026 પહેલા થયેલા સૌથી મોટા ટ્રેડમાં સંજુ સેમસનનું રાજસ્થાન રોયલ્સ (RR) છોડીને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)માં જોડાવું એ સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. હવે, રાજસ્થાન રોયલ્સના માલિક મનોજ બડાલેએ આ ટ્રેડ પાછળની અંદરની કહાણીનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે સંજુ સેમસને IPL 2025ની સિઝનની વચ્ચે જ ફ્રેન્ચાઇઝી છોડવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી હતી.
2025ની નિરાશાજનક સિઝન હતી કારણ
સંજુ સેમસન માટે કેપ્ટન અને બેટ્સમેન તરીકે IPL 2025ની સિઝન અત્યંત પડકારજનક રહી હતી. તે ઈજાના કારણે ઘણી મેચોમાંથી બહાર રહ્યો હતો અને નવ ઇનિંગ્સમાં માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો હતો. ટીમનું પ્રદર્શન પણ ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું અને રાજસ્થાન માત્ર આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છેલ્લેથી બીજા સ્થાને રહ્યું હતું.
શું કહ્યું રાજસ્થાનના માલિકે?
મનોજ બડાલેએ જણાવ્યું, "આ વર્ષે પહેલીવાર જ્યારે સંજુએ આગળ વધવાની વાત કરી, ત્યારે અમે સિઝનના અંતમાં કોલકાતામાં હતા. KKR સામેની એક નજીકની હાર બાદ અમારી મીટિંગ થઈ. તે ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ છે. તે વ્યક્તિગત અને ભાવનાત્મક રીતે ખૂબ જ થાકી ગયો હતો. તે RR માટે ખૂબ જ ચિંતા કરે છે, અને મને લાગે છે કે 18 વર્ષમાં અમારી સૌથી ખરાબ સિઝનનો ભાર તેના પર ખૂબ જ ભારે પડ્યો હતો."
સંજુના કર્યા વખાણ!
તેમણે ઉમેર્યું, "રાજસ્થાન રોયલ્સને 14 વર્ષ આપ્યા પછી, તેને લાગ્યું કે પોતાની IPL સફરને રિફ્રેશ કરવા માટે એક નવા અધ્યાયની જરૂર છે. જ્યારે સંજુ જેવા પ્રામાણિક વ્યક્તિ તરફથી આવી વિનંતી આવે, ત્યારે તે અમારા માટે પણ અલગ હતી." બડાલેએ 2021માં સંજુને કેપ્ટન બનાવવાના નિર્ણયને "હાઈ-રિસ્ક" ગણાવ્યો હતો, પરંતુ કહ્યું કે સંજુએ તે જવાબદારી શાનદાર રીતે નિભાવી.
RR સાથે સંજુનો વારસો
રાજસ્થાન રોયલ્સ સાથેના 11 સિઝનમાં સંજુએ 4,027 રન બનાવ્યા છે. તેણે 2022માં 14 વર્ષના અંતરાલ બાદ ટીમને IPL ફાઇનલ સુધી પહોંચાડી હતી અને 2024માં 531 રન સાથે પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ સિઝન રમી હતી. 31 વર્ષીય સેમસનનું CSKમાં આગમન તેમની બેટિંગ લાઇનઅપને મજબૂતી આપશે, જે 2025ની સિઝનમાં ઝડપી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી.








