સંજુ સેમસનને મળી આયર્લેન્ડ માટે રમવાની ઓફર, સ્ટાર ક્રિકેટરે આપ્યો આ જવાબ
સંજુ સેમસનને અન્ય ખેલાડી કરતા ભારત તરફથી રમવાની ઘણી ઓછી તકો મળી
અમદાવાદ, 12 ડિસેમ્બર 2022, સોમવાર
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સંજુ સેમસનને આંતરરાષ્ટ્રીય સ્તરે એટલી તકો મળી નથી. હવે આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે સેમસનને પોતાની ટીમ તરફથી રમવાની ઓફર કરી છે. જોકે સેમસને આઇરિશ બોર્ડના આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. સેમસન બાંગ્લાદેશ સામેની તાજેતરની ત્રણ મેચની વનડે શ્રેણીમાં પણ ટીમનો ભાગ ન હતો. ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને સતત રમવાની તક નથી મળી રહી. સંજુ સેમસને 2015માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું, આમછતાં તે કુલ 27 મેચ જ રમી શક્યો છે. ટીમમાંથી સતત બાકાત રાખવાને કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને BCCIને પણ ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે સેમસનને પોતાની ટીમ તરફથી રમવાની ઓફર કરી છે.
સંજુએ હૃદય સ્પર્શી જવાબ આપ્યો
આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે સંજુ સેમસનને ખાતરી આપી છે કે જો તે તેની ક્રિકેટ કારકિર્દીને આગળ વધારવા માટે તેના દેશમાં આવશે તો તે તમામ મેચમાં રમશે. જો કે સેમસને આઇરિશ ક્રિકેટ બોર્ડની ઓફર ફગાવી દીધી હતી. સેમસને કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય કોઈ દેશ માટે રમવાનું વિચારશે નહીં કારણ કે તે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે. આઇરિશ ક્રિકેટ બોર્ડ એવા ખેલાડીની શોધમાં છે જે શાનદાર બેટિંગની સાથે કેપ્ટનશિપ કરી શકે. જો સંજુ સેમસને આ ઓફર સ્વીકારી હોત તો તેણે ભારતીય ક્રિકેટ અને ઈન્ડિયન પ્રીમિયર લીગને અલવિદા કહેવું પડ્યુ હોત. ભારતીય અંડર-19 ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ઉન્મુક્ત ચંદે પણ આવો જ રસ્તો અપનાવ્યો અને હવે તે યુએસમાં ક્રિકેટ રમી રહ્યો છે.
સંજુ સેમસનનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
28 વર્ષીય સંજુ સેમસને અત્યાર સુધી ભારત માટે 16 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 21.14ની એવરેજ અને 135.15ની સ્ટ્રાઈક રેટથી 296 રન બનાવ્યા છે. સંજુએ માત્ર 11 વનડે રમી છે, જેમાં તેણે 66ની એવરેજથી 330 રન બનાવ્યા છે. સંજુ સેમસનને અન્ય ખેલાડી કરતા ભારત તરફથી રમવાની ઘણી ઓછી તકો મળી છે.