Get The App

IPLમાં રમનારો આ ખેલાડી દુષ્કર્મના કેસમાં દોષિત, દિલ્હી કેપિટલ્સ વતી રમ્યો હતો

સંદીપે વર્ષ 2018માં દિલ્હી કેપિટલ્સ તરફથી IPL ડેબ્યુ કર્યો હતો

સંદીપ લામિછાનેના નામે IPLની 9 મેચમાં 13 વિકેટ છે

Updated: Dec 30th, 2023

GS TEAM

Google News
Google News
IPLમાં રમનારો આ ખેલાડી દુષ્કર્મના કેસમાં દોષિત, દિલ્હી કેપિટલ્સ વતી રમ્યો હતો 1 - image
Image:File Photo

Kathmandu court convicts Sandeep Lamichhane : નેપાળ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે. તેને કાઠમંડુની એક કોર્ટે ગઈકાલે દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. હવે તેની સામેની સજાની જાહેરાત આગામી સુનાવણીમાં કરવામાં આવશે. કાઠમંડુની એક હોટલના રૂમમાં 17 વર્ષની યુવતીએ તેના પર દુષ્કર્મનો આરોપ લગાવ્યા બાદ ગયા વર્ષે ઓગસ્ટમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. નેપાળની કોર્ટે તેને જાન્યુઆરીમાં મુક્ત કર્યો હતો.

કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સંદીપને દુષ્કર્મના કેસમાં દોષી ઠેરવ્યો

મળેલા અહેવાલો મુજબ જસ્ટિસ શિશિર રાજ ઢકાલની સિંગલ બેંચે ગઈકાલે આ આદેશ આપ્યો હતો. રવિવારે અંતિમ સુનાવણી શરૂ થઈ હતી. આ પછી કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગઈકાલે સંદીપને દુષ્કર્મના કેસમાં દોષી ઠેરવ્યો હતો. ક્રિકેટરની જેલની સજાનો નિર્ણય આગામી સુનાવણીમાં કરવામાં આવશે. સંદીપ હાલ જામીન પર બહાર છે. પાટન હાઇકોર્ટે 12 જાન્યુઆરીએ તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જે પછી તે લીગ ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જોવા મળ્યો હતો. મળેલા અહેવાલો મુજબ કોર્ટે એમ પણ કહ્યું કે પીડિતા ઘટના સમયે સગીર ન હતી, જેમ કે અગાઉ જાણ કરવામાં આવી હતી.

ગયા વર્ષે સંદીપને નિલંબિત કરવામાં આવ્યો હતો

ગયા વર્ષે સેપ્ટેમ્બરની શરૂઆતમાં સંદીપને આ મામલે કાઠમંડુમાં તેની સામે ધરપકડ માટે વોરંટ જારી કરવામાં આવ્યું હતું ત્યારે નેપાળ ક્રિકેટ એસોસિયેશન દ્વારા તેને નિલંબિત કરવામાં આવ્યો હતો. તે પછી એવા સમાચાર આવ્યા કે કાઠમંડુ પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તે સમયે લામિછાને CPL 2022માં ભાગ લેવા માટે જમૈકા તલ્લાવાહ સાથે વેસ્ટ ઈન્ડિઝમાં હતો. ક્લબે બાદમાં જાહેરાત કરી હતી કે લામિછાને તાત્કાલિક અસરથી ટુર્નામેન્ટ છોડી દેશે. ઓક્ટોબરની શરૂઆતમાં કાઠમંડુના એરપોર્ટ પર ઉતર્યા પછી તેની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત થયાના થોડા સમય પહેલા સંદીપે ફેસબુક પર લખ્યું હતું કે તે તપાસના તમામ તબક્કામાં સંપૂર્ણ સહયોગ આપશે અને પોતાને નિર્દોષ સાબિત કરવા માટે કાનૂની લડાઈ લડશે. તે સમયે સંદીપે આ મામલાને ષડયંત્ર અને ખોટા આરોપો ગણાવ્યા હતા.

સંદીપ IPL રમનાર નેપાળનો પ્રથમ ખેલાડી છે

સંદીપ લામિછાને IPL રમનાર નેપાળનો પ્રથમ ખેલાડી છે. તેણે વર્ષ 2018માં દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝી માટે ડેબ્યુ કર્યો હતો. તેણે IPLની 9 મેચમાં 13 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત તેણે 52 T20I મેચમાં 98 વિકેટ ઝડપી છે. તેના નામે 51 ODIમાં કુલ 112 વિકેટ છે.

IPLમાં રમનારો આ ખેલાડી દુષ્કર્મના કેસમાં દોષિત, દિલ્હી કેપિટલ્સ વતી રમ્યો હતો 2 - image