નવી મુંબઇ,તા. 13 ડિસેમ્બર 2022, મંગળવાર
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો પુત્ર ક્રિકેટમાં પોતાની કારકીર્દિ બનાવવા આગળ વધી રહ્યો છે. આજથી શરૂ થયેલ રણજી ટ્રોફીમાં અર્જુનને પોતાની આવડત પુરવાર કરવાની એક સુવર્ણ તક મળી છે.
રણજી ટ્રોફી મેચ
અર્જુન તેંડુલકરને આજે, 13 ડિસેમ્બરે પોર્વોરિમમાં ગોવા ક્રિકેટ એસોસિએશન એકેડેમી ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી એલિટ ગ્રુપ સી મેચમાં રાજસ્થાન સામેની રણજી ટ્રોફી મેચમાં સ્થાન મળ્યું છે. અર્જુને ગોવા તરફથી પોતાના રણજી કરિયરની શરૂઆત કરી છે. અર્જુન અગાઉ ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો ભાગ હતો પરંતુ તેને ટીમમાં શામેલ થઈને રમવાની તક નહોતી મળી.
હવે જ્યારે અર્જુનને ડેબ્યૂ કરવાની તક મળી છે, ત્યારે બધાની નજર તેના પરફોર્મન્સ પર છે. આ પહેલા તે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા, મુંબઈ ઈન્ડિયન્સ અને ઈંગ્લેન્ડની ટીમની ટ્રેનિંગનો ભાગ પણ રહી ચૂક્યો છે. જોની બેયરસ્ટો પણ ODI વર્લ્ડ કપ 2019 પહેલા તેના બોલના કારણે ઈજાગ્રસ્ત થયો હતો.
મુંબઈના મુખ્ય કોચ મહેલા જયવર્દનેએ જણાવ્યું હતું કે, અર્જુન તેંડુલકરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવા માટે તેની રમતના કેટલાક પાસાઓમાં હજી પણ સુધારો કરવાની જરૂર છે. મહત્વનું છે કે, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ સ્ટેટ ટીમ બદલવા માટે અર્જુનને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NoC) પણ સોંપ્યું છે.


