22 રનના નજીવા અંતરથી ભારતીય ટીમની હાર પર સચિન, ગાંગુલી, યુવરાજે આપ્યા રિએક્શન
Images Sourse: IANS |
India vs England 3rd Test: લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. આ જીત સાથે ઈંગ્લેન્ડ ટીમ 5 મેચની ટેસ્ટ સીરિઝમાં 2-1ની લીડ મેળવી છે. લોર્ડ્સમાં પાંચમાં દિવસે ટીમને જીત અપાવવા માટે ભારતીય ખેલાડીઓએ ઈંગ્લેન્ડના બોલરોને જોરદાર ટક્કર આપી હતી, પરંતુ અંતે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે લોર્ડ્સમાં હાર બાદ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહનું રિએક્શન સામે આવ્યું છે.
સચિન તેંડુલકરે જાડેજા, બુમરાહ અને સિરાજના વખાણ કર્યા!
લોર્ડ્સના પાંચમા દિવસે રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે જે રીતે બેટિંગ કરી હતી તેની હવે દરેક વ્યક્તિ વખાણ કરી રહ્યા છે. ભારતીય ટીમની હાર બાદ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પ્લેટપોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'આટલી નજીક, છતાં ખૂબ દૂર... જાડેજા, બુમરાહ અને સિરાજ છેલ્લે સુધી લડતા રહ્યા. ભારતીય ટીમે ખૂબ જ સારો પ્રયાસ કર્યો. ઈંગ્લેન્ડ સારું રમ્યું અને ઇચ્છિત પરિણામ મેળવ્યું. આ મહેનતથી મેળવેલી જીત માટે તેમને અભિનંદન.'
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 'X' પર લખ્યું હતું કે, 'સરસ ટેસ્ટ મેચ હતી... ભારતીય ટીમ ખૂબ જ નિરાશ થઈને લોર્ડ્સ છોડશે... તે 3 ટેસ્ટ મેચમાં શાનદાર રમ્યા છે. પરંતુ 2-1થી પાછળ... આ જીતવા માટે એક ટેસ્ટ મેચ હતી... જાડેજાએ શાનદાર લડત આપી હતી'
પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે ભારતીય ટીમ વીશે લખ્યુંકે, 'અમે જે ઇચ્છતા હતા તે પરિણામ ન આવ્યું, પરંતુ આ મેચ અમારા જુસ્સા માટે યાદ રાખવામાં આવશે. રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ પ્રેશર કૂકર જેવી પરિસ્થિતિમાં મક્કમ રહ્યા! એક એવું પ્રદર્શન જે સન્માનને પાત્ર પાત્ર છે, ફક્ત કૌશલ્ય માટે જ નહીં, પરંતુ માનસિકતા માટે પણ! વાંધો નહીં, હવે આગામી મેચ માટે તૈયાર થઈ જાઓ બોઈઝ.'
લૉર્ડ્સમાં ઈગ્લેન્ડ સામે ભારતની હાર
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી-2025ની લૉડ્સમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતનો પરાજય થયો હતો. ઈંગ્લેન્ડ-ભારતે પ્રથમ ઈનિંગમાં 387-387 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 192 રન કર્યા બાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 170 રનમાં ઓલઆઈટ થઈ ગઈ છે. મેચના ત્રીજા અને ચોથા દિવસે જુસ્સામાં જોવા મળેલી ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ સામે 22 રને પરાજય થયો છે. આ સાથે બંને ટીમો વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ઈંગ્લેન્ડે 2-1ની સરસાઈ મેળવી લીધી છે.