શૂન્ય પર આઉટ થતા રાજસ્થાન રોયલના માલિકોએ મને લાફા માર્યા હતા : NZના ભૂતપૂર્વ કેપ્ટન
- રોસ ટેલરે પોતાની ઓટો બાયોગ્રાફીમાં IPL અંગે અનેક ખુલાસાઓ કર્યા
નવી દિલ્હી, તા. 13 ઓગસ્ટ 2022, શનિવાર
ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન રોસ ટેલરે ઈન્ડિયન પ્રીમિયર લીગ વિશે કેટલાક ખુલાસાઓ કર્યા છે. તેમણે IPLમાં પોતાના કાર્યકાળ દરમિયાન રાજસ્થાન રોયલ્સ સાથે થયેલી એક વિચિત્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. ટેલરે કહ્યું હતું કે, વર્ષ 2011માં તે રાજસ્થાન રોયલ્સ સાથે રમી રહ્યા હતા. તેઓ એક વર્ષ માટે ફ્રેન્ચાઈઝી સાથે રહ્યા અને હકીકતમાં પોતાની બેટિંગથી ખાસ કોઈ પ્રભાવ પાડી શક્યા નહોતા. રાજસ્થાન માટેની 12 મેચોમાં તેમણે 119 સ્ટ્રાઈક રેટથી 181 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમનો મહત્તમ સ્કોર અણનમ 47 હતો.
રાજસ્થાન રોયલ્સના માત્ર એક સીઝન બાદ તેમને છૂટા કર્યા હતા. ત્યારબાદ તે દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયા હતા. ટેલર રોયલ્સ સાથે રહ્યા તે દરમિયાન તેમની સાથે એવી ઘટના ઘટી હતી જેનો ઉલ્લેખ તેમણે પોતાના પુસ્તક 'રોસ ટેલર: બ્લેક એન્ડ વ્હાઈટ'માં કર્યો છે.
તેમણે પોતાની ઓટો બાયોગ્રાફીમાં ખુલાસો કર્યો છે કે, કિંગ્સ ઈલેવન પંજાબની સામેની મેચ દરમિયાન 0 રન ઉપર આઉટ થવાના કારણે ટીમના સહ-માલિકે તેમને 3-4 થપ્પડો મારી હતી. ટેલરે IPL ટીમમાં ખેલાડીને આવતી મુશ્કેલીઓ વિશે જણાવ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, થપ્પડો કરતા તેને આ ઘટનાએ વધારે સ્તબ્ધ થઈ ગયો હતો.
ટેલરે જણાવ્યું હતું કે, રાજસ્થાન માહોલી ખાતે કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમ્યું હતુ. હું ડક માટે LBW હતો. અમે આ મેચમાં જીતની નજીક પણ નહોતા પહોચ્યા. ત્યારબાદ ટીમ, સહયોગી સ્ટાફ અને મેનેજમેન્ટ હોટેલના સૌથી ટોપ ફ્લોર ઉપરના બારમા હતા. ત્યાં શેન વોર્ન સાથે લિજ હર્લી હતી. રોયલ્સના માલિકોમાંથી એકે મને કહ્યું હતું કે, રોસ, અમે તમને ડક ઉપર આઉટ થવા માટે 1 મિલિયન ડોલર નથી ચૂકવ્યા' અને તેમણે મારા ચહેરા ઉપર 3-4 થપ્પડો ચોડી દીધી હતી.
ટેલરે આગળ કહ્યું હતું કે પરંતુ મને ખાતરી નથી કે તે કેવળ નાટક-અભિનિત હતી. તે સંજોગોમાં હું તેને કોઈ મુદ્દો બનાવવા નહોતો જઈ રહ્યો પરંતુ હું કલ્પના કરી શકતો નથી કે તે વ્યાવાસાયિક રમત ગમતના વાતાવરણમાં થઈ રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'જો તમે કોઈ નવી ટીમમાં જાઓ છો તો તમને ત્યા સમર્થન નથી મળતું. તમે ક્યારેય સહજ નથી અનુભવતા કારણ કે તમે જાણો છો કે સ્કોર કર્યા વિના 2 કે 3 રમત રમવાથી તમે કોલ્ડ સ્ટોરેજમાં મૂકાઈ જાઓ છો.'