રોનાલ્ડો ૧૦મી વખત ગોલ હેટ્રિક નોંધાવનારો વિશ્વનો સૌપ્રથમ ફૂટબોલર
- પોર્ટુગલની ટીમે ૫-૦થી લક્ઝમ્બર્ગને હરાવ્યું
- ઓસ્ટ્રીયાને ૧-૦થી હરાવીને ડેનમાર્ક વર્લ્ડ કપમાં ક્વોલિફાય, ઈંગ્લેન્ડ અને હંગેરીની મેચ ૧-૧થી ડ્રો
પેરિસ, તા.૧૩
ક્રિસ્ટીયાનો રોનાલ્ડો આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ૧૦ ગોલ હેટ્રિક નોંધાવનારો વિશ્વનો સૌપ્રથમ ફૂટબોલર બન્યો છે. રોનાલ્ડોની આ સિદ્ધિને સહારે પોર્ટુગલે લક્ઝમ્બર્ગ સામેની ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ૫-૦થી વિજય હાંસલ કર્યો હતો. જ્યારે ડેનમાર્કની ટીમે ઓસ્ટ્રીયાને ૧-૦થી હરાવ્યું હતુ અને ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨ માટે ક્વોલિફાય કરી લીધું હતુ. આ સાથે ડેનમાર્ક કતારમાં યોજાનારા ફૂટબોલ વર્લ્ડ કપમાં ક્વોલિફાય થનારી જર્મની પછીની ટીમ બની હતી.
રોનાલ્ડોના આંતરરાષ્ટ્રીય ગોલની સંખ્યા ૧૧૫ થઈ છે અને તેણે કારકિર્દીમાં ૫૮મી ગોલ હેટ્રિક નોંધાવી હતી. વેમ્બલીીમાં રમાયેલી ઈંગ્લેન્ડ અને હંગેરી વચ્ચેની ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર ૧-૧થી ડ્રો રહી હતી. આ મેચમાં પ્રેક્ષકોએ તોફાન મચાવ્યું હતુ. રોનાલ્ડ સાલાઈએ હંગેરીને ૧-૦થી સરસાઈ અપાવી હતી. જવાબમાં ૩૭મી મિનિટે જોન સ્ટોને ઈંગ્લેન્ડને ૧-૧થી બરોબરી અપાવી હતી.
ઓસ્ટ્રીયા સામેના જોકિમ માઈહલે ડેનમાર્ક તરફથી મેચનો એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો. સ્વીડને ૨-૦થી ગ્રીસને હરાવ્યું હતુ. સ્વીડન તરફથી ફોર્સબેર્ગે ૫૯મી મિનિટે પેનલ્ટીથી ગોલ નોંધાવ્યો હતો. જે પછી ૬૯મી મિનિટે ઈસાકે સરસાઈ બેવડાવી હતી. ગ્રીસના ફૂટબોલર હાટ્ઝિડિકોસે ૮૬મી મિનિટે રેડ કાર્ડ દેખાડીને મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યો હતો. જ્યારે સ્વિત્ઝર્લેન્ડે ૪-૦થી લિથુનિયાને હરાવ્યું હતુ. સર્બિયાએ ૩-૧થી અઝરબેજાન સામે જીત હાંસલ કરી હતી.