માત્ર રોહિત કે વિરાટ નહીં, વનડે વર્લ્ડકપમાં આ 5 ખેલાડીઓ પર લટકતી તલવાર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ODI World Cup 2027: દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે 2027 ODI વર્લ્ડ કપની યજમાની કરશે. વિરાટ કોહલી-રોહિત શર્મા સહિત આ પાંચ ભારતીય ખેલાડીઓનું આ ટુર્નામેન્ટમાં રમવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે.
વિરાટ કોહલી
વિરાટ કોહલી ગત વર્ષે T20 ક્રિકેટમાંથી અને આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે તે માત્ર વન-ડે ફોર્મેટમાં જ રમે છે. તે આગામી 19 ઓક્ટોબરે પર્થમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે ત્યારે મેદાન પર જોવા મળશે. 2027ના વર્લ્ડ કપ સુધીમાં કોહલી 38-39 વર્ષનો થઈ જશે. જોકે તે હજુ પણ એકદમ ફિટ છે, ત્યાં સુધી તેના રમવા પર શંકા યથાવત છે. અહેવાલો પ્રમાણે તેને વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે કહેવામાં આવ્યું છે. હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેનું પ્રદર્શન તેનું ભવિષ્ય નક્કી કરી શકે છે.
રોહિત શર્મા
અહેવાલ પ્રમાણે વિરાટ કોહલીની જેમ જ રોહિત શર્માને પણ વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે કહેવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા તેને વન-ડે કેપ્ટનશીપમાંથી હટાવી દેવામાં આવ્યો છે અને તે પણ માત્ર આ જ ફોર્મેટમાં રમે છે. રોહિતે ટેસ્ટ અને T20માંથી નિવૃત્તિ લઈ લીધી છે. રોહિતની ફિટનેસ પર વારંવાર સવાલો ઉઠતા રહે છે. 2027 વર્લ્ડ કપ સુધીમાં તે 40 વર્ષનો થઈ જશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેનું પ્રદર્શન કેવું રહે છે, તેના આધારે તેનું ભવિષ્ય નક્કી થઈ શકે છે.
મોહમ્મદ શમી
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 2027 વર્લ્ડ કપ સુધીમાં 37 વર્ષનો થઈ જશે, પરંતુ તેની ઈજાએ તેના ભવિષ્ય પર સવાલો ઉઠાવ્યા છે. છેલ્લા ઘણા સમયથી શમી જસપ્રીત બુમરાહ સાથે ટીમ ઈન્ડિયાનો મુખ્ય બોલર રહ્યો છે, પરંતુ ઈજાના કારણે તેને ઘણા પ્રવાસોથી બહાર રહેવું પડ્યું છે. BCCIએ તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પણ પસંદ નથી કર્યો. તે રણજી ટ્રોફીમાં રમશે. શમી કહી ચૂક્યો છે કે, હું આગામી વર્લ્ડ કપમાં રમવા માગુ છું, પરંતુ મેનેજમેન્ટ નવા ફાસ્ટ બોલરો તૈયાર કરી રહ્યું છે.
રવીન્દ્ર જાડેજા
રવીન્દ્ર જાડેજાની ફિટનેસ કમાલની છે. તે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. પરંતુ તેણે પણ વિરાટ કોહલી અને રોહિત શર્માની જેમ 2024 વર્લ્ડ કપ પછી T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જાડેજા આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વન-ડે સીરિઝનો હિસ્સો નથી, તેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે સિલેક્ટર્સનું ફોકસ હવે વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ પર વધુ છે.
રિષભ પંત
રિષભ પંત એક વિસ્ફોટક બેટ્સમેન છે, પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો છે. આ જ કારણસર તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદ કરવામાં નથી આવ્યો. આમ પણ પંત હવે ટેસ્ટમાં પ્રથમ પસંદગી છે, પરંતુ તેને વ્હાઈટ બોલ ક્રિકેટમાં પ્રથમ પસંદગી માનવામાં નથી આવતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વન-ડે સીરિઝ માટે ધ્રુવ જુરેલ અને કેએલ રાહુલને વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. રાહુલ પાસે વિકેટકીપિંગ કરાવવામાં આવી શકે છે, પરંતુ જો ધ્રુવ તેને મળેલી તકોનો ફાયદો ઉઠાવશે, તો પંતનું વન-ડે ટીમમાં સ્થાન મુશ્કેલ થઈ જશે. વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટમાં ધ્રુવે તેની વિકેટકીપિંગથી પ્રભાવિત કર્યા હતા.
આ પણ વાંચો: ટીમને જીતાડી પોતે જિંદગીની મેચ હાર્યો બોલર, અંતિમ ઓવર નાંખતા જ પિચ પર ઢળી પડ્યો
ઓસ્ટ્રેલિયા પ્રવાસથી શુભમન ગિલ વન-ડે ટીમની કેપ્ટનશીપ પણ સંભાળશે, તે ટેસ્ટનો પણ કેપ્ટન છે. સિલેક્ટર્સ 2027 વન-ડે વર્લ્ડ કપ માટે શુભમન ગિલને કેપ્ટન તરીકે જોઈ રહ્યા છે, અને તેને તેના માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડે 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે.









