VIDEO: એક મેચમાં સેન્ચુરી બાદ સીધો '0', એક શૉટથી રોહિત શર્માનું દિલ તૂટ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rohit Sharma on Golden Duck : જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી વિજય હઝારે ટ્રોફીની મેચમાં ક્રિકેટ ચાહકોને ત્યારે મોટો આંચકો લાગ્યો જ્યારે મુંબઈના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા શૂન્ય રને આઉટ થઈ ગયા. સિક્કિમ સામેની અગાઉની મેચમાં 155 રનની તોફાની ઇનિંગ રમનાર રોહિત શર્મા ઉત્તરાખંડ સામેની આ મેચમાં ઇનિંગના પહેલા જ બોલે એટલે કે 'ગોલ્ડન ડક' પર પેવેલિયન ભેગા થયા હતા. હજારોની સંખ્યામાં સ્ટેડિયમમાં હાજર રહેલા દર્શકો રોહિત પાસેથી વધુ એક સદીની આશા રાખી રહ્યા હતા, પરંતુ પરિણામ આનાથી સાવ ઉલટું આવ્યું.
મનપસંદ 'પુલ શોટ'માં જ થાપ ખાઈ ગયા
રોહિત ઉત્તરાખંડના બોલર દેવેન્દ્ર સિંહ બોરાએ ઇનિંગની પહેલી જ ઓવરના છેલ્લા બોલે રોહિત શર્મા માટે ખાસ પ્લાન ઘડ્યો હતો. બોરાએ રોહિતને શોર્ટ પીચ બોલ નાખ્યો, જેને રોહિતે પોતાના મનપસંદ 'પુલ શોટ' દ્વારા બાઉન્ડ્રી બહાર મોકલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બોલ બેટ પર બરાબર આવ્યો નહીં અને ફાઈન લેગ પર ઉભેલા ફિલ્ડર જગમોહન નગરકોટીના હાથમાં સીધો કેચ ગયો. નગરકોટીએ એક ક્ષણ માટે કેચ ફંબલ (છૂટી જવા જેવી સ્થિતિ) કર્યો હતો, પરંતુ આખરે સજ્જડ કેચ પકડીને રોહિતની ઇનિંગનો અંત લાવ્યો હતો.
સરફરાઝ અને મુશીરની જોડીએ મુંબઈને ઉગાર્યું
રોહિત શર્માના વહેલા આઉટ થયા બાદ મુંબઈની મુશ્કેલીઓ વધી હતી, કારણ કે તેના સાથી ઓપનર અંગકૃષ રઘુવંશી પણ માત્ર 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. શરૂઆતી બે વિકેટ ઝડપથી પડી ગયા બાદ ખાન ભાઈઓની જોડીએ મોરચો સંભાળ્યો હતો. સરફરાઝ ખાન અને મુશીર ખાને શાનદાર બેટિંગ કરીને મુંબઈનો સ્કોર 100 રનને પાર પહોંચાડ્યો હતો. બંને ભાઈઓ હાલ પોતપોતાની અડધી સદીની નજીક છે અને ટીમને મજબૂત સ્થિતિમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મેચની અન્ય વિગતો
વિજય હઝારે ટ્રોફીના આ રાઉન્ડમાં અન્ય મેચોમાં પણ રોમાંચ જોવા મળી રહ્યો છે. જ્યાં એકતરફ રોહિત શર્મા ફ્લોપ રહ્યા, ત્યાં બીજી તરફ વિરાટ કોહલી પોતાની તોફાની ઇનિંગ રમીને સદી તરફ આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત, બિહારના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી ઈજાના કારણે આ મેચમાંથી બહાર થઈ ગયા છે, જેમણે પ્રથમ મેચમાં 190 રન બનાવીને વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો. હાલમાં મુંબઈની નજર સરફરાઝ અને મુશીર પર છે કે તેઓ સ્કોરને કેટલે સુધી લઈ જાય છે.








