Get The App

BCCIના કડક નિર્દેશ બાદ રોહિત શર્માએ લીધો તાત્કાલિક નિર્ણય, વિરાટ કોહલીનું મૌન યથાવત્

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
BCCIના કડક નિર્દેશ બાદ રોહિત શર્માએ લીધો તાત્કાલિક નિર્ણય, વિરાટ કોહલીનું મૌન યથાવત્ 1 - image


Rohit Sharma Took An Immediate Decision After BCCI's Strict Instructions: ટેસ્ટ અને T-20 ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે ટીમ ઈન્ડિયાનો માર્ગ હવે ઘરેલુ મેદાનથી પસાર થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બંને સિનિયર ખેલાડીઓને સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે જો તમે વન-ડે ટીમનો હિસ્સો બનવા માગો છો તો, તમારે ઘરેલુ ક્રિકેટ રમવું ફરજિયાત છે.  સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે બંને ખેલાડીઓને જણાવી દીધું છે કે, જ્યારે પણ ઈન્ટરનેશનલ શેડ્યૂલમાં ગેપ મળે ત્યારે વિજય હજારે ટ્રોફી અથવા અન્ય ઘરેલુ ટૂર્નામેન્ટમાં હિસ્સો લેવો. તેનો ઉદ્દેશ્ય સીનિયર ખેલાડીઓની મેચ ફિટનેસ અને લય બની રહે અને તેઓ લાંબા બ્રેક બાદ સીધા ઈન્ટરનેશનલ મેચમાં ન ઉતરે. 

BCCIના કડક નિર્દેશ બાદ રોહિત શર્માએ લીધો તાત્કાલિક નિર્ણય

રોહિત શર્માએ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ને જાણ કરી દીધી છે કે તે વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે. રોહિતનો આ નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કડક નિર્દેશ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે સીનિયર ખેલાડીઓએ ટીમ ઈન્ડિયામાં પસંદગી માટે દાવેદારી જાળવી રાખવા માટે ઘરેલુ ક્રિકેટમાં હિસ્સો લેવો ફરજિયાત છે, ખાસ કરીને ભવિષ્યની વન-ડે સીરિઝ અને 2027 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને.

એક અહેવાલ પ્રમાણે રોહિતે 24 ડિસેમ્બરથી શરૂ થનારી મુંબઈ ટીમના અભિયાનમાં રમવાની પુષ્ટિ કરી દીધી છે. તે પહેલા જ ભારત અને દક્ષિણ આફ્રિકાની વન-ડે સીરિઝ સમાપ્ત થઈ જશે. એટલે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ત્યાં સુધીમાં ફ્રી થઈ જશે. આગામી વન-ડે સીરિઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે, જ્યારે ભારતનો સામનો ન્યુઝીલેન્ડ સામે થશે.

ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સીરિઝમાં બંને ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું

તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સીરિઝમાં બંને ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્માએ ત્રીજી મેચમાં સદી ફટકારી હતી, જ્યારે વિરાટ કોહલીએ શરૂઆતની બે મેચમાં ઝીરો પર આઉટ થયા પછી અણનમ 87 રનની ઈનિંગ રમી હતી. તેમ છતાં બોર્ડ નથી ઈચ્છતું કે આ અનુભવી ખેલાડીઓની મેચ ટચ નબળી પડે.

સિલેક્શન કમિટિના અધ્યક્ષ અજિત અગરકર પહેલા જ કહી ચૂક્યા છે કે, 'જો ખેલાડીઓ ફ્રી હોય, તો તેમણે ઘરેલુ ક્રિકેટ રમવી જોઈએ. તે તેમને શાર્પ અને તૈયાર રાખે છે.'

રોહિત હાલમાં મુંબઈની શરદ પવાર ઈન્ડોર એકેડેમીમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે અને તેણે સંકેત આપ્યો છે કે તે સૈયદ મુશ્તાક અલી T20 ટુર્નામેન્ટ માટે પણ ઉપલબ્ધ રહેશે. કોહલી હાલમાં લંડનમાં છે,પરંતુ બોર્ડને આશા છે કે તે ભારત પાછો ફરશે અને ઘરેલુ મેદાનમાં ઉતરશે. 

આ પણ વાંચો: કોહલી-રોહિતે ટીમ ઈન્ડિયામાં રમતા રહેવું હોય તો આટલું કરવું પડશે...' BCCIની ચોખ્ખી વાત

ગત સિઝનમાં બંનેએ એક-એક રણજી મેચ રમી હતી. કોહલી 12 વર્ષ પછી દિલ્હી માટે અને રોહિત 10 વર્ષ પછી મુંબઈ માટે રમ્યો હતો. તે સમયે રોહિતે કહ્યું હતું કે સતત ઈન્ટરનેશનલ શેડ્યૂલના કારણે ઘરેલુ ક્રિકેટ માટે સમય કાઢવો મુશ્કેલ બની જાય છે, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

જોકે, અગરકરે એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, 'આગામી વન-ડે વર્લ્ડ કપ 2027 માટે ન તો કોહલી અને ન તો રોહિત કોઈ ટ્રાયલ પર છે.' તેમના શબ્દોમાં 'બંનેએ ભારતીય ક્રિકેટને ઘણું આપ્યું છે. હવે ટીમની દિશા તેમના અનુભવ, ફિટનેસ અને ઉપલબ્ધતા દ્વારા નક્કી કરવામાં આવશે.'

હવે નામ અને રેકોર્ડ નહીં મહેનત ચાલશે  

 BCCI નો મેસેજ સ્પષ્ટ છે કે, ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવું હવે માત્ર નામ અને રેકોર્ડ પર આધારિત નહીં રહેશે, પરંતુ ઘરઆંગણે રમવાની ખેલાડીની તૈયારી પર આધારિત રહેશે. જો કોહલી અને રોહિત ત્યાં ઉતરે, તો તે ભારતીય ક્રિકેટ માટે એક મજબૂત મિસાલ બનશે.

Tags :