Inside the Rohit-Kohli Exit: ભારતીય ક્રિકેટના બે સૌથી મોટા દિગ્ગજો વિરાટ કોહલી અને રોહિત શર્માએ મે મહિનામાં અચાનક ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહીને સૌને ચોંકાવી દીધા હતા. હવે આ મામલે પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ એક વિસ્ફોટક દાવો કરીને ક્રિકેટ જગતમાં નવી ચર્ચા જગાવી છે. ઉથપ્પાના મતે આ બંને ખેલાડીઓની વિદાય સ્વાભાવિક લાગતી નથી અને તેમને નિવૃત્તિ લેવા માટે કદાચ મજબૂર કરવામાં આવ્યા હોઈ શકે છે.
'આ નિવૃત્તિ સ્વાભાવિક નથી'
પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા રોબિન ઉથપ્પાએ જણાવ્યું હતું કે, 'મને ખબર નથી કે આ જબરદસ્તીથી કરાવવામાં આવેલું આત્મસમર્પણ હતું કે નહીં, પણ આ બિલકુલ સ્વાભાવિક વિદાય લાગતી નથી. સત્ય શું છે તે તો આ બંને ખેલાડીઓ જ યોગ્ય સમયે જણાવશે, પરંતુ મને અંગત રીતે લાગે છે કે આ નિર્ણય તેમની સ્વેચ્છાએ લેવાયેલો નહોતો.'
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ બદલાયા સમીકરણો
નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિત અને વિરાટનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નહોતું. ત્યારબાદ બંનેએ પોતાના ટેસ્ટ કરિયરને ફરી પાટા પર લાવવા માટે લાંબા સમય બાદ રણજી ટ્રોફીમાં પણ ભાગ લીધો હતો. આમ છતાં, મે મહિનામાં રહસ્યમય રીતે બંનેએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. આ જ ગાળામાં ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પહેલા શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
રોહિતની વાપસીની હતી આશા
ઉથપ્પાએ વધુમાં ઉમેર્યું કે, 'જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રોહિત રન નહોતો બનાવી શકતો, ત્યારે મને લાગ્યું હતું કે તેણે છ મહિનાનો બ્રેક લઈને પોતાની ફિટનેસ પર કામ કરવું જોઈએ. મને પૂરો વિશ્વાસ હતો કે રોહિત ટેસ્ટમાં જોરદાર વાપસી કરશે, પરંતુ તે પહેલા જ આ બધું બની ગયું.'
હાલમાં 'રોહિત-કોહલી'ની જોડી માત્ર વનડે ફોર્મેટમાં જ ભારત માટે રમી રહી છે. 2024ના ટી20 વર્લ્ડ કપ બાદ તેઓએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી હતી. ઉથપ્પાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ બીસીસીઆઈ (BCCI) અને પસંદગીકારોની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે.


