ઋતુરાજ ગાયકવાડ ભારતીય મહિલા ક્રિકેટર સાથે કરશે લગ્ન, અન્ડર-19માં રમી ચૂકી છે
ઋતુરાજને WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો
Image:Instagram |
ચેન્નઈ સુપર કિંગ્સના દિગ્ગજ ઓપનર ઋતુરાજ ગાયકવાડ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અહેવાલો મુજબ ઋતુરાજ 3 જૂને લગ્ન કરવા જઈ રહ્યો છે. ચેન્નઈએ IPL 2023નો ખિતાબ જીત્યા બાદ ઋતુરાજે સોશ્યલ મીડિયા પર એક ફોટો શેર કરી હતી, જેમાં તેની સાથે તેની ગર્લફ્રેન્ડ પણ જોવા મળી હતી. જે છોકરી સાથે ઋતુરાજની ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી, તે છોકરીનું નામ ઉત્કર્ષા પવાર છે અને તે પોતે એક ક્રિકેટર છે.
ઉત્કર્ષા મહારાષ્ટ્ર મહિલા ક્રિકેટ ટીમ તરફથી રમી ચુકી છે
ઋતુરાજ ગાયકવાડ 3 જૂનના રોજે ઉત્કર્ષા પવાર સાથે લગ્ન કરશે. ઉત્કર્ષા પોતે એક ક્રિકેટર છે અને તે મહારાષ્ટ્ર મહિલા ક્રિકેટ ટીમ તરફથી રમી ચુકી છે. ઉત્કર્ષા વર્ષ 2012-13 અને વર્ષ 2017-18માં મહારાષ્ટ્રની અંડર-19 ટીમમાં સામેલ હતી. મહારાષ્ટ્રની સિનિયર ટીમમાં પણ તેની પસંદગી થઈ હતી, ઉત્કર્ષા ઓલરાઉન્ડર રહી ચુકી છે. ઉત્કર્ષાએ છેલ્લે લગભગ 18 મહિના પહેલા ક્રિકેટ રમી હતી. અહેવાલો અનુસાર તે હાલમાં પુણેમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ સાયન્સ (INFS)માં અભ્યાસ કરી રહી છે.
ઋતુરાજે WTC ફાઈનલથી નામ પાછું ખેંચ્યું
IPL 2023માં ઋતુરાજે શાનદાર બેટિંગ કરી હતી અને 16 મેચમાં કુલ 590 રન બનાવ્યા હતા. ગાયકવાડે આ સિઝનમાં 4 ફિફ્ટી પણ ફટકારી હતી. ચેન્નઈ સુપર કિંગ્સને IPLની ફાઇનલમાં પહોંચવામાં ઋતુરાજના પ્રદર્શનનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. ઋતુરાજને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ટીમ ઈન્ડિયામાં સ્ટેન્ડબાય ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે BCCIને પોતાના લગ્ન વિશે જણાવીને પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.