રિષભ પંતે ખુદને આપી આટલી મોટી સજા જેનું ફળ ઈંગ્લેન્ડમાં મળ્યું, બીજી ટેસ્ટ અગાઉ ખુલાસો
Rishabh Pant: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે હેડિંગ્લે ટેસ્ટમાં બંને ઈનિંગમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. વિદેશી ટેસ્ટની બંને ઈનિંગમાં સદી ફટકારનાર તે વિશ્વનો પ્રથમ વિકેટકીપર બની ગયો છે. જોકે, થોડા મહિના પહેલા તેની સ્ટોરી સંપૂર્ણપણે અલગ હતી. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન અને ખાસ કરીને મેલબોર્ન ટેસ્ટમાં એક બેજવાબદાર શોટને કારણે તેને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના બાદ પંતે એક મોટું પગલું ભર્યું હતું.
રિષભ પંતે ખુદને આપી આટલી મોટી સજા
મેલબોર્ન ટેસ્ટમાં પંતે પ્રથમ ઈનિંગમાં એક રેમ્પ શોટ રમવાનો પ્રયાસ કર્યો અને તે આઉટ થઈ ગયો હતો. આ શોટના કારણે તેની ભારે ટીકા થઈ હતી. પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી દરમિયાન તેને 'બેવકૂફ, બેવકૂફ, બેવકૂફ' કહ્યો હતો. ટીમ ઈન્ડિયાને આ સીરિઝમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે, પંત ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતનારી ભારતીય ટીમનો પણ હિસ્સો હતો. પરંતુ તેને એક પણ મેચ રમવાની તક નહોતી મળી. જોકે, હવે તે દમદાર વાપસી કરવામાં સફળ રહ્યો છે.
આ તમામ ઘટનાઓઅ પંત પર ઊંડી અસર કરી. તેને સમજાયું કે મારે મારી રમત અને જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે. ત્યારબાદ પંતે એક મોટું પગલું ભર્યું. એક અહેવાલ પ્રમાણે પંતે માર્ચ 2025માં પોતાના ફોનમાંથી WhatsApp ડિલીટ કરી દીધું અને મોટાભાગનો સમય ફોન બંધ રાખ્યો, માત્ર જરૂર પડે ત્યારે જ ફોનનો ઉપયોગ કર્યો. આ સાથે જ તેણે પોતાની ફિટનેસ અને બેટિંગ પર ફોકસ કર્યું. જોકે, પંતને તેનું ફળ મળ્યું અને તેણે ઈંગ્લેન્ડમાં બે સદી ફટકારીને શાનદાર વાપસી કરી.
પૂર્વ સ્ટ્રેન્થ અને કન્ડીશનિંગ કોચનો મોટો ખુલાસો
ભારતના પૂર્વ સ્ટ્રેન્થ અને કન્ડીશનિંગ કોચ સોહમ દેસાઈએ જણાવ્યું કે, પંતે આ દરમિયાન પોતાની ફિટનેસ પર ખૂબ કામ કર્યું. તે થાક કે વર્કલોડને ધ્યાનમાં લીધા વિના દરરોજ જીમમાં કલાકો સુધી સખત મહેનત કરતો હતો. પંતનો એકમાત્ર ધ્યેય પોતાને સુધારવાનો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની બહાર હોવા છતાં પણ તેણે પોતાની મહેનત ચાલુ રાખી. તે દિવસ-રાત સૌથી મુશ્કેલ સેશન કરતો હતો. જ્યારે પણ તે ફ્રી હોય, ત્યારે તે મને જીમમાં ખેંચી લઈ જતો. તેને થાક કે વર્કલોડની કોઈ પરવા નહોતી. તેણે માત્ર એટલું જ કહ્યું કે મારે પોતાની જાત પર કામ કરતા રહેવું પડશે.' પંતનું આ સમર્પણ રંગ લાવ્યું. હેડિંગ્લે ટેસ્ટમાં તેણે 134 અને 118 રનની શાનદાર ઈનિંગ્સ રમી. ભારત પાંચ વિકેટથી મેચ હારી ગયું હોવા છતાં, પંતની બેટિંગે બધાનું દિલ જીતી લીધું.