Rishabh Pant Quits Captaincy : IPL ફ્રેન્ચાઈઝી લખનૌ સુપર જાયન્ટ્સે (LSG) એક મોટો નિર્ણય લેતા ઋષભ પંતને કેપ્ટનની જવાબદારીમાંથી મુક્ત કર્યો છે. ફ્રેન્ચાઈઝીએ સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, પંતે પોતે કેપ્ટનશીપ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેનો ટીમ મેનેજમેન્ટે તાત્કાલિક સ્વીકાર કર્યો છે. લખનૌના ક્રિકેટ ડાયરેક્ટર ટોમ મૂડીએ જણાવ્યું કે, પંતના આ નિર્ણયનું તેઓ સન્માન કરે છે અને હવે ટીમ મેનેજમેન્ટ ભવિષ્ય માટે નવા કેપ્ટનની શોધ સાથે ટીમની પુનઃરચના પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી
ઋષભ પંત આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. નવેમ્બર 2024ના મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે તેને રૂ.27 કરોડની રેકોર્ડબ્રેક કિંમતે ખરીદ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2025માં તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે પંતે કેપ્ટનશીપ છોડ્યા બાદ ટીમના માલિક સંજીવ ગોયન્કા મેનેજમેન્ટ સાથે મળીને આગામી સીઝન માટે નવા કેપ્ટન અંગે આયોજન કરશે.
Official announcement. pic.twitter.com/7WeOwpkDr6
— Lucknow Super Giants (@LucknowIPL) May 29, 2026
કેપ્ટન અને બેટ્સમેન તરીકે પંત ફ્લોપ રહ્યો
પંતની આગેવાનીમાં લખનૌ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું. 2025 અને 2026ની સીઝનમાં રમાયેલી કુલ 28 મેચોમાંથી ટીમ માત્ર 10 મેચ જીતી શકી હતી, જ્યારે 18 મેચમાં તેનો પરાજય થયો હતો. 2025માં લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં 7મા ક્રમે અને 2026ની ચાલુ સીઝનમાં છેક 10મા ક્રમે રહી હતી.
બેટર તરીકે પણ પંતનું નબળું પ્રદર્શન
એક બેટ્સમેન તરીકે પણ પંત અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે 2025ની સીઝનની 14 મેચમાં 24.33ની એવરેજથી માત્ર 269 રન બનાવ્યા હતા, જ્યારે 2026ની સીઝનની 14 મેચમાં 138.05ની સ્ટ્રાઈક રેટથી 312 રન નોંધાવ્યા હતા. સતત ખરાબ પ્રદર્શનના કારણે ઉઠેલા સવાલો વચ્ચે આખરે પંતે પોતે જ સુકાનીપદ છોડવાનો નિર્ણય કર્યો છે.


