'મને આનાથી ઘણી નફરત છે...' ઈજાગ્રસ્ત રિષભ પંતે ફોટો શેર કરી કઈ વાતે દુઃખ વ્યક્ત કર્યું
Rishabh Pant Social Media Story: ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન ઋષભ પંતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. જેમાં તેના પગમાં ફ્રેક્ચર છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ઋષભ પંતને ફ્રેક્ચર થયુ હતું. ફ્રેક્ચર થયુ હોવા છતાં પંતે બંને ઈનિંગમાં બેટિંગ કરી હતી, પરંતુ પાંચમી ટેસ્ટમાં ટીમમાંથી બહાર થયો હતો. પંતને આ ઈજા ક્રિસ વોક્સના બોલ પર રિવર્સ સ્વિપ શોટ રમતી વખતે થઈ હતી.
પંતને ગંભીર ઈજા થતાં તે મેદાન પર ઉભો પણ રહી શકતો ન હતો. મિનિ એમ્બ્યુલન્સની મદદથી તેને મેદાન પરથી બહાર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્કેન કરતાં જાણવા મળ્યું કે ફ્રેક્ચર છે.
મને આનાથી નફરત છે
ઋષભ પંતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્લાસ્ટ બાંધેલા પગની તસવીર શેર કરતાં કેપ્શન લખી હતી કે, મને આનાથી નફરત છે. આ ઈજામાંથી સાજો થતાં ઓછામાં ઓછો 6 મહિનાનો સમય લાગી શકે છે. જેથી આગામી મહિને શરૂ થઈ રહેલા એશિયા કપ 2025માં તેને આરામ આપી શકે છે. પંત આઈપીએલ સિઝનનો અત્યારસુધીનો સૌથી મોંઘો ખેલાડી છે. જો કે, તેણે આઈપીએલ 2025માં કોઈ ખાસ કરામત કરી ન હતી.
Impasto, salsa, forno... and me. 🍕#RP17 pic.twitter.com/u1mf1FyvYa
— Rishabh Pant (@RishabhPant17) August 13, 2025
પિત્ઝા બનાવતો વીડિયો પણ કર્યો હતો પોસ્ટ
આ સ્ટોરી પહેલાં પંતે સોશિયલ મીડિયા પર પિત્ઝા બનાવતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તે લંગડાતા લંગડાતા શેફનું એપ્રન પહેરી પિત્ઝા બનાવી રહ્યો હતો. તેણે લોટ બાંધી ટોપિંગ કર્યું હતું. બાદમાં મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, ઘર પર કઈ જમવાનું નથી, આથી પિત્ઝા બનાવી રહ્યો છું. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, ઈમ્પેસ્ટો, સાલ્સા, ફોર્નો અને હું. વીડિયો ક્લિપમાં પંતે ચાહકોને કહ્યું હતું કે, આજે હું તમને પિત્ઝા બનાવતા શિખવાડીશ, હું વેજિટેરિયન પિત્ઝા બનાવીશ.