માનચેસ્ટર ટેસ્ટમાં બેટિંગ કરવા ઉતરશે રિષભ પંત, ધ્રુવ જુરેલ કરશે વિકેટકીપિંગ, BCCIએ આપ્યું અપડેટ
Rishabh Pant Fractures Toe : ઈંગ્લેન્ડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમને ગઈકાલે મોટો ઝટકો લાગ્યો હતો. સ્ટાર ખેલાડી રિષભ પંતના જમણા પગના અંગૂઠામાં ઈજા થઈ છે. આ વચ્ચે હવે આજે ભારતીય ટીમને મોટી રાહત મળી છે. પગમાં થયેલી ઈજા છતા રિષભ પંત માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ અંગે માહિતી આપી છે. બીસીસીઆઈ તરફથી કહેવાયું છે કે, રિષભ પંતને માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે જમણા પગમાં ઈજા થઈ હતી. જેના કારણે હવે તેઓ આ ટેસ્ટ મેચમાં હાલ વિકેટકીપિંગ નહીં કરે. તેની જગ્યાએ ધ્રુવ જુરેલને વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી છે. જો કે, ઈજા છતાં રિષભ પંત બીજા દિવસે ટીમની સાથે હાજર છે અને જરૂર પડવા પર તે બેટિંગ માટે ઉપલબ્ધ રહેશે.
રિષભ પંતનું સારૂં પ્રદર્શન
રિષભ પંત જ્યારે ઈજાગ્રસ્ત થયો ત્યારે તે 48 બોલ પર 37 રન બનાવીને ક્રીઝ પર હતો. તેમણે 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા. ભારતનો સ્કોર 3 વિકેટ પર 212 રન પર હતો. પંત અને સાઈ સુદર્શન વચ્ચે 72 રનની ભાગીદારી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો. પંત જ્યારે ક્રીઝ પર આવ્યો ત્યારે ભારતનો સ્કોર 3 વિકેટ પર 140 રન હતો.
ચાલુ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો પંત
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ટેસ્ટના પ્રથમ દિવસે જ ચાલુ મેચમાં પંત ઈજાગ્રસ્ત થયો જે બાદ પવેલીયન પરત ફરવું પડ્યું હતું. ભારતની ઈનિંગની 68 ઓવર સમાપ્ત થઈ હતી અને પંત 37 રન પર બેટિંગ કરી રહ્યો હતો. ક્રિસ વોક્સની ઓવરમાં રિવર્સ સ્વીપ રમવાના પ્રયાસમાં બોલ પંતના પગ પર વાગી હતી. દુખાવાના કારણે પંત જમીન પર જ સૂઈ ગયો હતો. ફિઝિયોની મદદથી મેડિકલની ટીમ પંતને ગાડીમાં બેસાડી મેદાનની બહાર લઈ ગઈ હતી.