Get The App

વર્લ્ડ કપ જીત્યા બાદ સ્ટાર ક્રિકેટર ઋચા ઘોષ બની DSP, ફાઈનલમાં જેટલા રન બનાવ્યા એટલા લાખનો ચેક મળ્યો

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
વર્લ્ડ કપ જીત્યા બાદ સ્ટાર ક્રિકેટર ઋચા ઘોષ બની DSP, ફાઈનલમાં જેટલા રન બનાવ્યા એટલા લાખનો ચેક મળ્યો 1 - image


Richa Ghosh appointed DSP of West Bengal Police: ભારતે તાજેતરમાં જ ICC મહિલા વનડે વર્લ્ડ કપ 2025 જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ ભારતીય મહિલા ટીમની પ્રથમ ICC ટ્રોફી હતી. વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલી વિકેટકીપર ઋચા ઘોષ DSP બની ગઈ છે. તેને પશ્ચિમ બંગાળમાં માનદ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) નિયુક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારે તેને પ્રતિષ્ઠિત બંગ ભૂષણ એવોર્ડથી પણ સન્માનિત કરી છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ઋચા માટે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાજરી આપી હતી.

વર્લ્ડ કપ જીત્યા બાદ સ્ટાર ક્રિકેટર ઋચા ઘોષ બની DSP

શનિવારે યોજાયેલા સન્માન સમારોહમાં 22 વર્ષીય ઋચાને ગોલ્ડન બેટ આપવામાં આવી હતી. આ સાથે જ તેને 34 લાખ રૂપિયાનો ચેક પણ મળ્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકા સામે ફાઈનલમાં 24 બોલમાં 34 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. ભારતે 298/7 નો સ્કોર કરીને 52 રનથી ટાઈટલ મેચ જીતી હતી. સન્માન સમારોહની શરૂઆત પરંપરાગત ઉત્તરીય, ફૂલો અને મીઠાઈઓ સાથે થઈ હતી, ત્યારબાદ મુખ્યમંત્રી મમતાએ ઋચાને ગોલ્ડન બેટ, બંગ ભૂષણ, એક સોનાની ચેઈન અને DSP નિમણૂક પત્ર સોંપ્યો હતો.

મેન્ટલ સ્ટ્રેંથ એ સૌથી મોટી શક્તિ:CM મમતા બેનરજી

સીએમ મમતા બેનરજીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ઋચા પ્રેમથી વારંવાર દુનિયા જીતી લેશે. મેન્ટલ સ્ટ્રેંથ એ સૌથી મોટી શક્તિ છે. તમારે સખત મહેનત કરતા રહેવું જોઈએ, મુશ્કેલીઓને પાર કરીને તમારા લક્ષ્ય સુધી પહોંચવું જોઈએ. તમારે લડવાનું છે, પ્રદર્શન કરવાનું છે, રમવાનું છે અને જીતવાનું છે. બીજી તરફ પશ્ચિમ બંગાળે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, DSP ઋચા ઘોષ, હાર્દિક અભિનંદન. બંગાળનું ગૌરવ ઋચા હવે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ બની ગઈ છે. પશ્ચિમ બંગાળ સરકારે વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમની મહત્વપૂર્ણ સભ્ય ઋચાને પોલીસમાં DSP પદ પર નિયુક્ત કરી છે.



ઋચા ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારી પાંચમી ભારતીય

ભારતની ઐતિહાસિક ટાઈટલ જીતના શિલ્પકારોમાંથી એક ઋચાએ ટુર્નામેન્ટમાં આઠ ઈનિંગ્સમાં 133.52ના સ્ટ્રાઈક રેટથી 235 રન બનાવ્યા હતા. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારી પાંચમી ભારતીય હતી. ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી CABના અધ્યક્ષ છે. ગાંગુલીએ પણ ઋચાની પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે તે એક દિવસ ભારતીય ટીમની કેપ્ટન બનશે. તેમણે કહ્યું, હતું કે, અમે ઈચ્છીએ છીએ કે ઋચા એક દિવસ ઝુલન ગોસ્વામીની જેમ ઊંચાઈએ પહોંચે. અમને આશા છે કે એક દિવસ અમે અહીં ઉભા રહીને કહીશું કે ઋચા ભારતની કેપ્ટન છે. દિગ્ગજ ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ પણ સમારોહમાં હાજરી આપી હતી.

Tags :