રવીન્દ્ર જાડેજા CSK છોડે તેવી અટકળો તેજ! ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'ગુમ' થતાં ફેન્સ પરેશાન

Ravindra Jadeja's Instagram Account Missing: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે મીની ઓક્શન 15 ડિસેમ્બરે થવાની શક્યતા છે. ઓક્શન પહેલા તમામ 10 ટીમોએ પોત-પોતાની રિટેન્શન લિસ્ટ 15 નવેમ્બર સુધીમાં આપવાની રહેશે. આ વચ્ચે સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને લઈને ચર્ચાએ વેગ પકડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL 2026 પહેલા જાડેજાની સાથે-સાથે સેમ કરણને રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનના બદલે ટ્રેડ કરી શકે છે.
રવીન્દ્ર જાડેજાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'ગુમ' થતાં ફેન્સ પરેશાન
ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે સંભવિત ટ્રેડ ડીલની ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે સોમવારે રવીન્દ્ર જાડેજાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક ગાયબ થઈ ગયું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ ગઈ. જાડેજાનું ઓફિશિયલ યુઝરનેમ 'royalnavghan' હવે ઈન્સ્ટાગ્રામ પર દેખાય નથી રહ્યું, જેનાથી ફેન્સ પરેશાન છે.
રવીન્દ્ર જાડેજાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રોફાઈલ લિંક પણ બ્રોકન દેખાય નથી રહી. જોકે, એ સ્પષ્ટ નથી કે જાડેજાએ ખુદ પોતાનું એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું છે કે કોઈ અન્ય ટેકનિકલ કારણ છે, પરંતુ તેના IPL કરિયરને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, રવીન્દ્ર જાડેજાની પ્રથમ IPL ટીમ રાજસ્થાન રોયલ્સ રહી છે.
જાડેજાની પ્રથમ IPL ટીમ કઈ હતી?
રવીન્દ્ર જાડેજા 2008માં માત્ર 19 વર્ષની ઉંમરે રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો. રાજસ્થાને શરૂઆતની સીઝનમાં પોતાનું પ્રથમ ટાઈટલ પણ જીત્યું હતું. ત્યાર બાદથી આ ટીમ ચેમ્પિયન નથી બની શકી. 2010માં જાડેજાને કરારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાડેજા 2012માં ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાયો.
IPL 2025 માટે CSKએ જાડેજાને 18 કરોડમાં રિટેન કર્યો હતો
ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા જીતવામાં આવેલા પાંચ IPL ટાઈટલમાંથી ત્રણમાં રવીન્દ્ર જાડેજાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વર્ષ 2022માં તેને ટીમની કેપ્ટનશીપ પણ સોંપવામાં આવી હતી, પરંતુ ખરાબ પ્રદર્શનના કારણે તેણે ચાલુ સિઝનમાં જ આ ભૂમિકા છોડી દીધી હતી. ડાબોડી ઓલરાઉન્ડર જાડેજાને IPL 2025 માટે CSKએ 18 કરોડમાં રિટેન કર્યો હતો.
જાડેજા CSKનો બીજા ક્રમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર
36 વર્ષીય રવીન્દ્ર જાડેજા અત્યાર સુધીમાં IPLમાં 254 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 3,260 રન બનાવ્યા છે અને 170 વિકેટ ખેરવી છે. તે CSKનો બીજા ક્રમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર (152) છે. CSK માટે સૌથી વધુ 154 વિકેટ ડ્વેન બ્રાવોએ ઝડપી છે. 2023ની IPL ફાઈનલમાં જાડેજાએ અંતિમ ઓવરમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને જીત અપાવી હતી.

