અમદાવાદની ધરા પર રવીન્દ્ર જાડેજાએ તોડ્યો ધોનીનો રેકોર્ડ, રોહિત-સેહવાગને પણ પાછળ છોડવાની તૈયારી

Ravindra Jadeja Record: ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શુક્રવારે (ત્રીજી ઓક્ટોબર) વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન અડધી સદી ફટકારી હતી. આ ઈનિંગમાં તેણે ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેમણે ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો એમ.એસ. ધોનીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. રવિન્દ્ર જાડેજા ટેસ્ટમાં શાનદાર ફોર્મમાં છે, તેણે છેલ્લી નવ ઈનિંગમાં સાતમી વખત 50થી વધુ રન બનાવ્યા છે.
રવિન્દ્ર જાડેજાએ 86 મેચમાં 79 છગ્ગા ફટકાર્યા
અહેવાલો અનુસાર, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ 75 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. આ દરમિયાન તેણે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ચોથો છગ્ગો ફટકારીને તેણે એમ.એસ. ધોનીનો સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ તોડી નાખ્યો. એમ.એસ. ધોનીએ 90 મેચમાં 78 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 86 મેચમાં 79 છગ્ગા ફટકાર્યા છે. હવે રોહિત શર્મા, વીરેન્દ્ર સેહવાગ અને રિષભ પંત જાડેજાથી આગળ છે.
આ પણ વાંચો: મીરાબાઈ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ, કુલ 199 કિલોગ્રામ વજન ઉપાડ્યું
રવિન્દ્ર જાડેજાએ પોતાના ટેસ્ટ કરિયરના 7,111મા બોલ પર 79મો છગ્ગા ફટકાર્યા. જ્યારે ધોનીએ 8,104 બોલનો સામનો કરીને 78મો છગ્ગા ફટકાર્યા હતો. ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારનારા ખેલાડીઓની યાદીમાં જાડેજા ત્રીજા સ્થાને છે. રિષભ પંત અને વીરેન્દ્ર સેહવાગ 90 છગ્ગા સાથે ટોચ પર છે. રોહિત શર્મા 88 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે.
કે.એલ. રાહુલે સદી પૂરી કરી
ટેસ્ટ મેચના બીજા દિવસે કે.એલ. રાહુલે ભારતીય ઈનિંગ્સની 65મી ઓવરમાં ચેઝની બોલિંગથી એક રન લઈને વેસ્ટ ઈન્ડીઝ સામે 190 બોલમાં પોતાની બીજી ટેસ્ટ સદી પૂરી કરી. રાહુલે 197 બોલની ઇનિંગ્સમાં 12 ચોગ્ગા ફટકાર્યા. રાહુલની ઘરઆંગણે પહેલી ટેસ્ટ સદી 2016માં આવી હતી, જ્યારે તેણે ઈંગ્લેન્ડ સામે 199 રન બનાવ્યા હતા.

