જાડેજા વિદેશમાં ટેસ્ટ મેચ જીતાડવા સક્ષમ નથી', માન્ચેસ્ટરના હીરો પર પૂર્વ ખેલાડીનો સવાલ
Image Source: Twitter
IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટનો હીરો રવીન્દ્ર જાડેજા હાલમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. જાડેજાએ ઈંગ્લેન્ડ પ્રવાસ પર અત્યાર સુધીમાં 450+ રન અને 7 વિકેટ ખેરવી છે. માનચેસ્ટર ટેસ્ટ મેચમાં ડ્રો થયો હતો. એક એવો ડ્રો જેની ગણતરી ક્રિકેટ ઈતિહાસમાં કેટલાક પસંદીદા ગ્રેટ એસ્કેપ થશે. આમ છતાં પૂર્વ ઓપનર નવજોત સિંહ સિદ્ધુનું માનવું છે કે રવીન્દ્ર જાડેજામાં વિદેશી ધરતી પર ટેસ્ટ જીતાડવાની ક્ષમતા નથી.
જાડેજા વિદેશમાં ટેસ્ટ મેચ જીતાડવામાં સક્ષમ નથી
સિદ્ધુએ જાડેજાની ટીકા કરી છે કે તે વિદેશી પરિસ્થિતિઓમાં ભારત માટે ટેસ્ટ મેચ જીતાડવામાં સક્ષમ નથી. તેણે કહ્યું કે, સ્ટાર ઓલરાઉન્ડરની આ અસમર્થતા પહેલી ટેસ્ટથી જ દેખાઈ રહી છે.
જાડેજાએ વિદેશમાં સપોર્ટિંગ રોલ સારો કર્યો
નવજોત સિંહ સિદ્ધુએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, 'મેં જાડેજાની ખૂબ પ્રશંસા કરી છે. કપિલ દેવ એક બોલિંગ ઓલરાઉન્ડર હતો, અને તેણે વિદેશમાં ભારતને ઘણી ટેસ્ટ જીતાડી હતી. પરંતુ જાડેજાએ વિદેશમાં સપોર્ટિંગ રોલ સારો કર્યો છે. તે પોતાની ઓવરો ઝડપથી કરે છે. પરંતુ તે ટેસ્ટ મેચ જીતી શકતો નથી અને આ વાત પહેલી ટેસ્ટથી જ સ્પષ્ટ થઈ છે.'
આ પણ વાંચો: BIG BREAKING : સેનાએ પહલગામ હુમલાનો બદલો લીધો, 'ઓપરેશન મહાદેવ' હેઠળ ત્રણ આતંકવાદી ઠાર
માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારતની બીજી ઈનિંગમાં જાડેજાએ અણનમ 107 રન બનાવ્યા હતા. તેણે વોશિંગ્ટન સુંદર સાથે મળીને મેચના છેલ્લા દિવસે ઈંગ્લેન્ડના બોલરોના નાકમાં દમ લાવી દીધો હતો. શરૂઆતથી જ મેચ ઈંગ્લેન્ડની પકડમાં હતી પરંતુ જાડેજા અને સુંદરે પોતાની યાદગાર ઈનિંગ્સના કારણે ડ્રો સુનિશ્ચિત કર્યો. સુંદરે પણ અણનમ સદી ફટકારી હતી.
લોર્ડ્સ ટેસ્ટમાં જાડેજાની રણનીતિ અને તેના પ્રદર્શન પર ચર્ચા
લોર્ડ્સ ટેસ્ટમાં પણ જાડેજાએ ખૂબ જ પ્રતિકાર દેખાડ્યો હતો. તેણે અણનમ 61 રન બનાવ્યા હતા પરંતુ ભારતની 22 રનની હાર ટાળી નહોતો શક્યો. તે મેચ પછી જાડેજાની રણનીતિ અને તેના પ્રદર્શનને લઈને ખૂબ ચર્ચા થઈ હતી. મોટાભાગના લોકોએ તેની લડાયક ભૂમિકાની પ્રશંસા કરી હતી પરંતુ કેટલાક નિષ્ણાતો અને ક્રિકેટરોએ તેની ટીકા કરી હતી. ત્યારે રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, જો પોતાની બેટિંગને લઈને જાડેજામાં બેન સ્ટોક્સના વિશ્વાસના 40% પણ વિશ્વાસ હોત, તો તે વધુ મેચ જીતાડી શક્યો હોત. પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને પણ કહ્યું હતું કે જાડેજાએ લોર્ડ્સમાં વધુ સકારાત્મક વલણ દેખાડવાની જરૂર હતી.